આ રેલવે સ્ટેશન જોઈને તમે વિચારમાં પડી જશો કે, રેલવે સ્ટેશન છે કે એરપોર્ટ

બનારસ- બનારસની નજીક આવેલું મંડુઆડીહ રેલવે સ્ટેશન તેમને એરપોર્ટ જેવો અહેસાસ કરાવશે. ભારતીય રેલવે દેશમાં કેટલાક સ્ટેશનોને વિશ્વસ્તરના બનાવવા માગે છે. મંડુઆડીહ સ્ટેશન આનો એક નમૂનો છે. આ સ્ટેશન ખૂબસૂરત હોવાની સાથે અહીં ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ પણ બેમિસાલ છે.

આ રેલવે સ્ટેશન એલઈડી લાઈટોથી સજ્જ છે, અહીં વેઈટિંગ રૂમ પણ એસી સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ છે. પ્લેટફોર્મ પર ચળકાટ ધરાવતા સ્ટેનલેસ સ્ટીલના બાંકડા મુકેલા છે. દેશના અન્ય રેલવે સ્ટેશન કરતાં આ સ્ટેશન એકદમ અલગ જ તરી આવે છે.

અહીં ગોઠવેલા ફાઉન્ટેન સ્ટેશનની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. વેઈટિંગ હોલ અને સર્કુલેટિંગ એરિયા અન્ય સ્ટેશનોની તુલનામાં ઘણા વિશાળ છે. એટલું જ નહીં બુકિંગ, રિઝર્વેશન ઓફિસ, કેફેટએરિયા, ફૂડ કોર્ટ પણ એકદમ આધુનિક નજરે પડે છે.

યાત્રીઓ માટે એસી લોન્જ, એસી અને નોન એસી રિટાયરિંગ રૂમ અને ડોરમેટ્રીની સુવિધા ઉપલબ્ધ છે. પ્લેટફોર્મ પર ગંદકીનું નામોનિશાન જોવા નહીં મળે. એલસીડી ડિસ્પ્લે પેનલ આની સુંદરતામાં વધારો કરે છે. હાલમાં આ સ્ટેશન પર આઠ પ્લેટફોર્મ છે. મોદી સરકારે આ સ્ટેશનને બનારસ રેલવે સ્ટેશન આપવાની યોજના બનાવી છે. પૂર્વ રેલવે પ્રધાન મનોજ સિન્હાએ આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને પત્ર પણ લખ્યો હતો.

રેલવેના વારાણસી ડિવીઝનના એક ઓફિસરના જણાવ્યા અનુસાર મંડુઆડીહ નામ સાંભળવામાં સારુ નથી લાગતું. અને આ નામ પરથી બનારસની અનોખી વિરાસત અંગે પણ જાણકારી નથી મળતી. બનાસર વડાપ્રધાન મોદીનું સંસદીય ક્ષેત્ર છે. સરકારનું પ્રાધાન્ય શહેરની માળખાગત સુવિધાઓ સુવ્યવસ્થિત બનાવવા પર છે. બનારસમાં દેશ વિદેશમાંથી દર વર્ષે લાખો પર્યટકો આવે છે.