શતાબ્દી-રાજધાની ચલાવવાની જવાબદારી પ્રાઈવેટ સેક્ટરને આપવા રેલવેની તૈયારી…

નવી દિલ્હીઃ રેલવેની સ્થિતી સુધારવામાં લાગેલું રેલવે મંત્રાલય એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. મંત્રાલય યાત્રી ગાડીઓની સેવાઓ હવે પ્રાઈવેટ ક્ષેત્રને સોંપે તેવી શક્યતાઓ છે. આવનારા સમયમાં રાજધાની અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની જવાબદારી પ્રાઈવેટ કંપનીઓને મળી શકે છે. ત્યારે આને લઈને આવનારા 100 દિવસ સુધીનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જેમાં પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની મંજૂરી પ્રાઈવેટ કંપનીઓને આપવાની યોજના છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર રાજધાની, અને શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનો પ્રોફિટમાં ચાલી રહી છે એટલે આ ટ્રેનોનું કામ કંપનીઓ લેવામાં વધારે ઈચ્છુક હશે. રેલ મંત્રાલયનું ફોકસ છે કે પ્રાઈવેટ ક્ષેત્રની ભાગીદારી વધારવા માટે પ્રીમિયમ ટ્રેનોને ચલાવવાની મંજૂરી જલ્દી જ પ્રાઈવેટ કંપનીના હાથમાં સોંપવામાં આવે.

ટ્રેનોને પ્રાઈવેટ કંપનીના હાથમાં સોંપવા પાછળ તર્ક એ છે કે આમાં પ્રીમિયમ ટ્રેનોની યાત્રી સુવિધાઓમાં વધારો થશે. આ પ્રકારે રેલવેના કમર્શિયલ ઓપરેશનમાં પ્રાઈવેટ સેક્ટર વધારે સુવિધાઓ પ્રદાન કરશે. જ્યારે રેલવે આ ટ્રેનોની પરમિટ ટ્રેડરના આધાર પર કોઈ ઓપરેટરને આપશે તો રેલના ડબ્બા અને એન્જિનની જવાબદારી રેલવેની રહેશે.

આ સીવાય એ પણ કહેવાઈ રહ્યું છે કે રેલવે ભાડાની સીમા નક્કી કરી દેશે એટલે કે પરમિટ પ્રાપ્ત કરનારી પ્રાઈવેટ કંપનીઓ નક્કી કરેલા રેટથી વધારે રેટ નહી લઈ શકે.

પ્રીમિયમ ટ્રેનોને પ્રાઈવેટ હાથોમાં સોંપવા માટે રેલવે મંત્રાલય દ્વારા આખી યોજના બનાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ભારતીય રેલવેમાં પ્રીમિયમ ટ્રેનોની પ્રાઈવેટ ભાગીદારી ચરણબદ્ધ રીતે વધારાશે. શરુઆતમાં રાજધાની અને ત્યારબાદ શતાબ્દી ટ્રેનોને એક-એક કરીને ટેંડરના માધ્યમથી પ્રાઈવેટ કંપનીઓને સોંપવામાં આવશે. પરંતુ આની રુપરેખા શું હશે તે નક્કી કરવાનું હજી બાકી છે.