મોબાઈલથી થશે અસલીનકલી દવાઓની ઓળખ, લાગુ પડશે કોડ

નવી દિલ્હીઃ તમે જે દવા લઈ રહ્યાં છો તે અસલી છે કે નકલી તેની ઓળખ કરવામાં હવે ખૂબ સરળતા થઈ જશે. જો તમારી પાસે મોબાઈલ ફોન છે તો તમે પણ આ દવાઓની ઓળખ કરી શકશો. આના માટે સરકાર જલ્દી જ ક્યૂઆર કોડની વ્યવસ્થા લાગુ કરવા જઈ રહી છે.

ફાર્માસ્યુટિકલ મંત્રાલય અનુસાર સરકારી હોસ્પિટલો, જન ઔષધી કેન્દ્રો પર ઉપસ્થિત દવાઓ પર એપ્રિલ 2019 થી ક્યૂઆર કોડ અનિવાર્ય છે. બજારમાં ઉપસ્થિત અન્ય દવાઓ માટે આ વ્યવસ્થા એપ્રિલ 2020 થી લાગૂ થવા જઈ રહી છે. આના દ્વારા કોઈપણ વ્યક્તિ પોતાના ફોનથી જ કોઈ દવા પર ઉપસ્થિત ક્યૂઆર કોડને સ્કેન કરશે કે તરત જ તે વ્યક્તિના ફોન પર તે દવાની તમામ માહિતી આવી જશે.

 એસોચેમ અનુસાર, ભારતમાં નકલી દવાઓનું બજાર 4,000 કરોડ રુપિયાનું છે. અહીંયા વેચાતી દવાઓ પૈકી 25 ટકા દવાઓ નકલી છે. નકલી દવાઓના વેચાણ મામલે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO અનુસાર, ભારતમાં વેચાનારી દસ દવાઓ પૈકી એક દવા નકલી છે. આ ક્યૂઆર કોડની નકલ કરવી અશક્ય હશે, એટલે કે નકલી દવાઓ પર આ ક્યૂઆર કોડ નહી લગાવવામાં આવી શકે.

ક્યૂઆર કોડથી ગ્રાહકોની સાથે સીધી રીતે જ કંપનીઓને પણ ફાયદો પ્રાપ્ત થશે. નકલથી દર વર્ષે હજાર કરોડ રુપિયાનું નુકસાન દેશમાં વ્યાપાર કરનારી દવાની કંપનીઓને થાય છે. તો નકલી દવાઓ લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે જ ક્યૂઆર કોડની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. ક્યૂઆર કોડમાં દવાની પૂર્ણ જાણકારી છૂપાયેલી હશે. આમાં બેંચ નંબર, સોલ્ટ, કંપનીનું નામ, કીંમત, હેલ્પલાઈન નંબર, મેન્યુફેક્ચરિંગ ડેટ અને આઉટ ડેટની તારીખ હશે.