અર્થતંત્ર મોરચે આનંદના સમાચારઃ Q4માં GDP ગ્રોથ વધીને 7.7 ટકા

નવી દિલ્હી– મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યાં છે. નોટબંધી પછી જીડીપી ગ્રોથ સતત વધીને આવ્યો છે. નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ત્રિમાસિક ગાળામાં જીડીપી વધીને 7.7 ટકા નોંધાયો છે. વર્ષના અન્ય ત્રણ કવાર્ટરની સરખામણીએ જાન્યુઆરીથી માર્ચ-2018ના કવાર્ટરમાં જીડીપી વધીને આવ્યો છે. પ્રથમ કવાર્ટરમાં 5.6 ટકા, બીજા કવાર્ટરમાં 6.3 ટકા અને ત્રીજા કવાર્ટરમાં 7 ટકા હતો. દરેક કવાર્ટરમાં જીડીપી વધીને આવ્યો છે. આમ નાણાકીય વર્ષ 2017-18માં જીડીપી 6.7 ટકા રહ્યો છે.

ગુરુવારે સાંજે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2016-17ના જુલાઈથી સપ્ટેમ્બર સુધીના કવાર્ટર પછી જીડીપી ગ્રોથ રેટમાં સૌથી વધારે સારો વધારો થયો છે. નોંધપાત્ર એ છે કે સરકારે આ કવાર્ટર પછી 500 અને 1000ની નોટો બંધ કરી હતી. ત્યાર પછી ઈકોનોમીનો ગ્રોથ ઘટ્યો હતો. નિષ્ણાતોના કહેવા પ્રમાણે સરકારે નોટબંધી અને જીએસટીના યોગ્ય અમલ નહી થવાને કારણે ઈકોનોમીમાં ઘટાડો જોવાયો હતો.

હાલ 2018ના જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિમાસિકગાળામાં ઈકોનોમીએ પ્રોત્સાહક દેખાવ રજૂ કર્યો છે. રૉઈટર્સના પૉલ અનુસાર અર્થશાસ્ત્રીઓએ 7.3 ટકા જીડીપી ગ્રોથ રહેવાનું અનુમાન રજૂ કર્યું હતું.