શેરબજારમાં શરૂની તેજી પછી નરમાઈ, જોરદાર નફારૂપી વેચવાલી આવી

અમદાવાદ– શેરબજારમાં શરૂની તેજી પછી પ્રત્યાઘાતી નરમાઈ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ સવારે શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. જોકે શેરોની જાતે-જાતમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરિણામે સેન્સેક્સ અને નિફટી ઊંચા મથાળેથી પટકાયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 76.89(0.22 ટકા) ઘટી 34,766.62 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 41.10(0.38 ટકા) ઘટી 10,700.45 બંધ થયો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે, ટ્રેડ ડેફિસિટ પણ વધી છે અને સોનાના ભાવ પણ વધીને 4 મહિનાની ટોચે પહોંચ્યા છે. જે સમાચાર પાછળ શેરોમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જેથી સેન્સેક્સ ઊંચા મથાળેથી 176 પોઈન્ટ અને નિફટી 57 પોઈન્ટ તૂટ્યો હતો. આજે આઈટી શેરોમાં ટીસીએસ, વિપ્રો અને ઈન્ફોસીસમાં તેજી થતાં માર્કેટને થોડો સપોર્ટ મળ્યો હતો. તેમજ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, કૉલ ઈન્ડિયા, ઓએનજીસી, આઈટીસી અને એસબીઆઈમાં વેચવાલીથી ઈન્ડેક્સ માઈનસમાં જતાં રહ્યા હતા.

  • એફએમસીજીમાં જાયન્ટ કંપની એચયુએલનું માર્કેટ કેપ પહેલીવાર 3 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.
  • એચયુએલના ત્રીજા ત્રિમાસિકગાળાના પરિણામ બુધવારે આવશે, જે અગાઉ તેમાં લેવાલીથી તેજી થઈ હતી.
  • જીએસટી એન્ટી પ્રોફિટરિંગ બોડીએ એચયુએલને નોટિસ પાઠવી છે, આ સમાચાર પછી એચયુએલમાં ભારે વેચવાલીથી શેરનો ભાવ ઉપરથી નીચે પટકાયો હતો.
  • સોમવારે એફઆઈઆઈએ રૂપિયા 32.92 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, જ્યારે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 173.28 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું.
  • આજે માત્ર આઈટી અને ટેકનોલોજી સેકટરના શેરોમાં તેજી થઈ હતી.
  • બાકીના તમામ સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 314.94 ગબડ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 443.95 તૂટ્યો હતો.
  • નેટવર્ક 18 મિડિયામાં થર્ડ કવાર્ટરમાં નફો 11.40 કરોડનો થયો છે.
  • જીએનએફસીનો દહેજ પ્લાન્ટ અનિશ્રિત મુદત માટે બંધ કરાયો છે, કાલે આ પ્લાન્ટમાંથી અચાનક ગેસ લીકેજ થયો હતો, ત્યાર પછી તેને બંધ કરી દીધો છે. જે સમાચારથી જીએનએફસીના શેરનો ભાવ ઘટ્યો હતો.