શેરબજારમાં નફારૂપી વેચવાલી, સેન્સેક્સ 73 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– શેરબજારમાં શરૂના ઉછાળા પછી નરમાઈ રહી હતી. અમેરિકાની ફેડરલ રીઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો નથી, પણ આગામી મહિને વ્યાજ દરમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે, જેથી એશિયાઈ અને યુરોપના સ્ટોક માર્કેટ નરમ હતા. ભારતીય શેરોમાં ભારે વેચવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 73.28(0.21 ટકા) ઘટી 35,103.14 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 38.40(0.36 ટકા) ઘટી 10,679.65 બંધ થયો હતો.ટ્રેડિંગ સેશનમાં આઈટી, એફએમસીજી અને રીયલ્ટી સેકટરના શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ અને નિફટી માઈનસમાં બંધ રહ્યા હતા. નિરુત્સાહી પરિણામને પગલે એચસીએલ ટેકા શેરમાં 8 ટકાનો કડાકો બોલી ગયો હતો. યુએસ ફેડ દ્વારા આગામી જૂન મહિનામાં ફેડ રેટમાં વધારાના સંકેતને પગલે ડાઉ જોન્સ 170 ગગડ્યો હતો, જેને પગલે એશિયાઈ સ્ટોક માર્કેટ ઘટ્યા હતા. તેની પાછળ ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પણ ખરડાયું હતું. તેજીવાળા ખેલાડીઓએ ગઈકાલે  પ્રોફિટ બુકિંગ કર્યું હતું. તેમ આજે પણ તેમણે વેચવાલી ચાલુ રાખી હતી.

  • ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી, આઈટી, ફાર્મા, ઓઈલ એન્ડ ગેસ, ટેકનોલોજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • આજે નરમાઈ વચ્ચે પણ બેંકિંગ સેકટરના શેરોમાં નવી લેવાલીથી મજબૂતી રહી હતી.
  • રોકડાના શેરોમાં વેચવાલીનો દોર હતો. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ વધુ 194.24 ઘટ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 153.60 માઈનસ બંધ હતો.
  • 17 રાજ્યોમાં વરસાદને કારણે મોસમ બદલાયું છે, જેને કારણે પવન અને આંધીને કારણે ઉભા પાકને નુકશાનના સમાચાર છે.
  • ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 80ના મોત થયાના અહેવાલો છે.
  • હાલ કંપની પરિણામોની મોસમ ચાલી રહી છે.
  • અદાણી પોર્ટનો નફો 20.6 ટકા ઘટીને આવ્યો હતો.
  • એમઆરએફનો નફો 19.8 ટકા વધ્યો હતો.