પેટ્રોલ-ડીઝલ કરતા સસ્તુ થયું વિમાનોનું ઈંધણ, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ નવા વર્ષનો આજે બીજો દિવસ છે અને આ નવા વર્ષની શરુઆતના શરુઆતમાં જ મોદી સરકારે એવો નિર્ણય કર્યો છે કે જેના કારણે આવનારા દિવસોમાં હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. હકીકતમાં વિમાનના ઈંધણની કીંમતમાં 14.7 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ એકવારમાં કરવામાં આવેલો સૌથી મોટો ઘટાડો છે. આ ઘટાડા બાદ વિમાનનું ઈંધણ પેટ્રોલ અને ડીઝલથી પણ સસ્તુ થઈ ગયું છે.

સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વિમાનના ઈંધણના ભાવ 14.7 ટકા એટલે કે 9,990 રુપિયા પ્રતિ કિલોલીટર ઘટીને અત્યારે 58,060.97 રુપિયા પ્રતિ કિલોલીટર પર પહોંચી ગયા છે. દિલ્હીમાં પેટ્રોલ અત્યારે 68.65 રુપિયા પ્રતિ લીટર છે. આની તુલનામાં એટીએફ 58,060 રુપિયા પ્રતિ કિલોલીટર એટલે કે 58.06 રુપિયા પ્રતિ લીટર છે. તો દિલ્હીમાં ડીઝલ 62.66 રુપિયા પ્રતિ લીટર છે. આ દ્રષ્ટીએ એટીએફ પેટ્રોલ અને ડીઝલની તુલનામાં સસ્તુ થઈ ગયું છે.

આ સતત બીજો મહીનો છે કે જ્યારે ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા એક ડિસેમ્બરના રોજ એટીએફના ભાવમાં 1.9 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ બંન્ને ઘટાડાઓના કારણે એટીએફ વર્ષના સૌથી નિમ્ન સ્તર પર પહોંચી ગયું છે. આનાથી નાણાકિય ભીડ સામે ઝઝુમી રહેલી વિમાન કંપનીઓને રાહત પ્રાપ્ત થશે. તો બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો ચાલુ છે.

ત્યારે એટીએફના ભાવમાં ઘટાડો થવાના કારણે આર્થિક તંગી ભોગવી રહેલી વિમાની કંપનીઓને રાહત પ્રાપ્ત થશે. જો એટીએફના દરોમાં ઘટાડાનો સીલસીલો યથાવત રહેશે તો ઘણી એરલાઈન્સ કંપનીઓ પ્લેનના ટીકિટ રેટમાં પણ ઘટાડાની જાહેરાત કરી શકે છે. એટલે કે હવાઈ મુસાફરી સસ્તી થશે. આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં એટીએફની કીંમતોમાં ઘટાડાને જોતા આ ઘટાડો કરવામાં આવ્યો છે.