PNBએ 150 લોકોના પાસપોર્ટ જપ્ત કર્યા… કેમ?

નવી દિલ્હીઃ દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકે જાણીજોઈને દેવું ન ચૂકવનારા 150 લોકોના પાસપોર્ટ જપ્ત કરી લીધા છે. ઉધાર વસુલીની ઝુંબેશમાં જોતરાયેલી પીએનબી 37 અન્ય દેવાદારો વિરૂદ્ધ FIR પણ નોંધાવી ચૂકી છે. PNBએ એક નિવેદનમાં જણાવ્યું કે બેંક 1,084 લોકોને ડિફોલ્ટર્સ કરી ચૂકી છે અને આવા 260 લોકોના ફોટા વર્તમાનપત્રોમાં છપાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હીરા વ્યાપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીના 14 હજાર કરોડ રૂપિયાના ગોટાળામાંથી શીખ લઈને પીએનબીએ પોતાની સ્થિતી સુધારવા માટે ઉધાર વસુલી પર પુરુ જોર આપ્યું છે. બેંક પ્રાઈવેટ એજન્સીઓની મદદથી લોનની વસુલી અને જોખમ પ્રબંધન માટે આંકડાઓનો સહારો લેવાની યોજના બનાવી રહી છે.

પીએનબી એવા ડિફોલ્ટર્સની કોન્ટેક ડિટેઈલ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેમનો બીજી બેંકોમાં સારો ક્રેડિટ રેકોર્ડ હોય. આ ભાગીદારી અન્ય આંતરીક પ્રણાલીઓને મજબૂત કરવા માટેની આ ટેક્નીકલી સજ્જતા એક મોટી રણનીતિનો ભાગ છે. આ ભાગીદારીથી બેંકને ન માત્ર લોન વસુલવામાં જ, પરંતુ અન્ય કેટલાક મોરચે પણ મોટી મદદ મળશે.