પંજાબ નેશનલ બેન્કઃ Q4 માટે 10 હજાર કરોડની રીકવરીનો ટાર્ગેટ

નવી દિલ્હી – દેશમાં ધિરાણ આપવામાં અગ્રગણ્ય ગણાતી બેન્કોમાંની એક, પંજાબ નેશનલ બેન્કે વર્તમાન નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર માટે લોન રીકવરી માટે રૂ. 10 હજાર કરોડનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ જાણકારી બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર સુનીલ મહેતાએ આપી છે.

આઈએએનએસ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં, મહેતાએ કહ્યું છે કે, આવતા નાણાકીય વર્ષ માટેનો ટાર્ગેટ અમે હજી નક્કી કર્યો નથી.

આ સરકાર હસ્તકની બેન્કે વર્તમાન વર્ષના ત્રણ ક્વાર્ટરમાં રૂ. 16,000 કરોડ જેટલી લોનની રીકવરી હાંસલ કરી લીધી છે.

નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) મામલે બેન્કે અનેક મહત્ત્વનાં પગલાં લીધાં છે.

હાલ આ બેન્કે NPA-2018 માટે ખાસ એવી, ‘વન ટાઈમ સેટલમેન્ટ’ (OTS) સ્કીમ લાગુ કરી છે. જેમાં રૂ. 25 કરોડ સુધીની લોન (2018ની 31 માર્ચની તારીખે બાકી હોય તેવી)ની રીકવરીને સામેલ કરવામાં આવી છે.

બેન્ક દેશભરમાં OTS કેમ્પ યોજે છે જ્યાં લોન લેનારાઓ અને બેન્ક સાથે બેસીને વાટાઘાટ કરીને સમસ્યાનું સમાધાન લાવે છે.

પંજાબ નેશનલ બેન્કનું નામ હિરાના ઉદ્યોગપતિ નીરવ મોદીને કારણે બદનામ થયું છે, જેમણે આ બેન્ક સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે. નીરવ મોદી દેશમાંથી ફરાર થઈ ગયા છે અને બ્રિટનમાં એમની ધરપકડ કરવામાં આવી છે. બેન્કે વર્તમાન નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેંબર ક્વાર્ટર દરમિયાન રૂ. 4,532 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી હતી.

લોન રીકવર કરવાના પ્રયાસોના ભાગરૂપે બેન્કે ગયા મહિને દેશભરમાં 4000થી વધુ પ્રોપર્ટીઓની ઈલેક્ટ્રોનિક હરાજી કરી હતી.

પંજાબ નેશનલ બેન્કે એનપીએ રીકવરી માટે મિશન ગાંધીગીરી અપનાવ્યું છે અને એને કારણે એ ઘણી મોટી રકમની લોન પાછી મેળવી શકી છે.