PNB ગોટાળા મામલે તપાસ, બેંકે 18 હજાર કર્મચારીઓની બદલી કરી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં 11 હજાર 300 કરોડ રૂપીયાનો ગોટાળો સામે આવ્યા બાદ બેંકના કર્મચારીઓ પર પણ ગાળીયો કસાયો છે. ગોટાળા બાદ ગત એક સપ્તાહમાં બેંક દ્વારા અત્યાર સુધીમાં પોતાના 18 હજાર કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે.

ગીતાંજલિના બે અધિકારીઓની અટકાયત

ગીતાંજલી ગ્રુપના મેનેજર નિતિન શાહ અને સીએફઓ કપિલ ખંડેવાલની પણ અટકાયત કરવામાં આવી છે. નિતિને જ પીએનબીની બ્રૈડી હાઉસ બ્રાંચમાંથી એલઓયુ પ્રાપ્ત કરવા માટે એપ્લિકેશન આપી હતી. આ તે જ એલઓયુ છે જેને બેંકના સીબીએસમાં રેકોર્ડ નહોતા કરવામાં આવ્યા.

આ તમામ કામ શાહના દિશાનિર્દેશ અનુસાર કરવામાં આવ્યું હતું. નિતીન શાહને 5 માર્ચ સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. નિતિન શાહ સીવાય ગીતાંજલીના સીએફઓ કપિલ ખંડેવાલને પણ 5 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

ઈનકમ ટેક્સવિભાગે નીરવ મોદીને નોટિસ મોકલી

નીરવ મોદી વિરૂદ્ધ ઈનકમ ટેક્સ વિભાગે તપાસ શરૂ કરી દીધી છે. ઈડી દ્વારા નીરવ મોદીને નોટીસ મોકલીને 27 ફેબ્રુઆરી સુધી તપાસ અધીકારીઓ સામે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે. ઈડીએ જણાવ્યું છે કે જે દસ્તાવેજ સીઝ કરવામાં આવ્યા છે તેનાથી મોટા સ્તર પર કર ચોરી થઈ હોવાની વાત પ્રકાશમાં આવી છે.

નીરવ મોદીને બ્લેક મની એક્ટ અંતર્ગત નોટિસ પણ મોકલવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બંન્ને નોટિસ વિદેશી બેંક ખાતાઓને લઈને મોકલવામાં આવી છે. સુત્રોનું માનીએ તો નીયમો કડક છે અને તેમના કારણે નીરવની થોડા સમયમાં જ અટકાયત કરવામાં આવી શકે છે.

જનહિત અરજી પર સુનાવણીથી ઈનકાર

આ પહેલા આ મામલે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે દાખલ કરવામાં આવેલી જનહિતની અરજી પર અત્યારે સુપ્રિમ કોર્ટે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કેન્દ્ર સરકારના એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે જણાવ્યું કે તેઓ આ મામલે વિરોધ કરશે. તેમણે અરજીકર્તાના ઉદ્દેશ્ય પર સવાલો ઉઠાવ્યા છે.