PNB પોતાની મિલકતો વેચી થોડું નુકસાન સરભર કરવાની તૈયારીમાં

દિલ્હી-પંજાબ નેશનલ બેંકે નીરવ મોદીએ કરેલા નુકસાન માટે રીકવરી યોજના બનાવી લીધી છે. પીએનબી પોતાની ત્રણ પ્રોપર્ટી વેચીને લગભગ 1800થી 2000 કરોડ રુપિયા મેળવવાની કોશિશ કરશે.પીએનબી અધિકારીઓએ કહ્યું હતું કે 13,200 કરોડ રુપિયાની છેતરપિંડીને વેઠવા માટે બેંક તૈયાર છે. હજારો કરોડોના નુકસાનને વેઠવા માટે પંજાબ નેશનલ બેંક જોકે પોતાની હેરિટેજ પ્રોપર્ટી નહીં વેચે.

2000 કરોડ રુપિયા ભેગાં કરવા પીએનબી દિલ્હીની ભીખાઇજી કામા પ્લેસમાં આવેલાં પોતાના જૂનાં હેડક્વાર્ટર્સ ઉપરાંત મધ્ય દિલ્હીમાં ટોલ્સટૉય માર્ગની ઓફિસ અને રાજેન્દ્ર પ્લેસના દિલ્હી ઝોનલ ઓફિસને પણ વેચી દેશે.

ઉપરાંત દેશના અન્ય ભાગોમાં આવેલી પીએનબી બેંકની પ્રોપર્ટીઝને પણ વેચી શકે છે. બેંક દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ચાંદની ચોક પાસે આવેલી તેમની હેરિટેડજ બિલ્ડિંગ તેઓ નહીં વેચે.

દિલ્હીમાં પીએનબી દ્વારા વેચાણની યોજનામાં શામેલ કરાયેલી મિલકતોની વેલ્યૂએશન હાલતતુરત તો નહીં કરી શકાય પરંતુ માનવામાં આવે છે કે ભીખાઇજી કામા પ્લેસની મિલકતના વેચાણથી પણ પીએનબી મોટું ભંડોળ મેળવી શકશે.

પીએનબી પોતાના જૂના હેડક્વાર્ટરને વેચવાની યોજના નીરવ મોદીનું કૌભાંડ બહાર આવ્યું એ પહેલાં જ બનાવી હોવાનું જણાવ્યું હતું. બેંક  દિલ્હીના દ્વારકામાં પોતાની નવી ઓફિસમાં પહેલાં જ શિફ્ટ કરી ગઇ છે.

નોન કૉર એસેસટ વેચવાની પીએનબીની યોજના પહેલાંથી હોવાનું માનવામાં આવે છે કેમ કે પબ્લિક સેક્ટર બેંકોમાં ઇક્વિટી નાંખી રહેલી સરકારે આ પહેલાં નોન કોર એસેટ્સ વેચવાનું દબાણ કર્યું હતું. કારણ કે તેવી મિલકતો બ્ઝનેસ ઓપરેશન માટે જરુરી નથી હોતી..

આ પહેલાં શક્યતા દર્શાવાઇ હતી કે પીએનબીના 13,300 કરોડના કૌભાંડથી બહાર લાવવા સરકાર સહાયતા કરી શકે છે. પરંતુ બોગસ એલઓયુના કારણે થયેલાં આ નુકસાનને પીએનબી પોતે જ સરભર કરે તેમ સરકાર ઇચ્છી રહી છે.