2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું અમારું લક્ષ્યઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ આજે સવારે 9:30 વાગ્યે ખેડૂતો સાથે લાઈવ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ 600 થી વધારે જિલ્લાના ખેડૂતો સાથે વાત કરતા જણાવ્યું કે હું આટલા જિલ્લાના ખેડૂતો સાથે વાત કરીને ખુશી અનુભવી રહ્યો છું. અમે વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક બેગણી થાય તે દિશામાં કામ કરી રહ્યાં છીએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે દેશમાં માત્ર અનાજનું જ નહીં પરંતુ ફળ શાકભાજી અને દૂધનું રેકોર્ડ ઉત્પાદન થઇ રહ્યું છે. વર્ષ 2017-18માં ખાદ્ય ઉત્પાદન 280 મિલિયન ટનથી વધારે થયું છે જ્યારે 2010થી 2014નું આશરે ઉત્પાદન 250 મિલિયન ટન હતું.  આ ઉપરાંત તેમણે કહ્યું કે,  દેશના ખેડૂતોને પાકની યોગ્ય કિંમત મળે તે માટે આ વખતે બજેટમાં સરકારે એક મોટો નિર્ણય લીધો. સરકારે નક્કી કર્યું કે વધારાના પાક માટે MSP, તેમની ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણા જાહેર કરવામાં આવ્યાં છે.

ખેડૂતોને સંબોધિત કરતાં વડાપ્રધાને જણાવ્યું કે ‘કૃષિ સિંચાઇ યોજના અંતર્ગત આજે દેશભરમાં 99 સિંચાઇ યોજના પુરી કરવામાં આવી છે. દરેક ખેતરને પાણી મળે, તે હેતુ સાથે આગળ વધી રહ્યાં છીએ. ખેડૂતોના પાકને કોઇપણ પ્રકારનું જોખમ ન નડે તેના માટે સરકાર દ્વારા પાક વિમા યોજના પણ બનાવવામાં આવી છે. ‘

તેમણે આગળ જણાવતાં કહ્યું કે, ‘વાવણી કરતાં પહેલા તેમની માટી કયા પ્રકારની છે તે માટે soil health card શરૂ કરવામાં આવ્યું છે. તમે તેના દ્વારા માટીની ગુણવત્તા તપાસી શકો છો. માટીની ગુણવત્તા તપાસ્યા બાદ ખેડુતોને ખ્યાલ આવી જાય કે તમે આ માટીમાં કયો પાક ઉગાડી શકો છો.

વડાપ્રધાને જણાવ્યું કે જ્યારે પાક લણી લેવામાં આવે ત્યારબાદ ખેડૂતોનું ઉત્પાદન બજારમાં પહોંચે છે જેમાં ખેડૂતોને પોતાના પાકનું યોગ્ય વળતર મળે તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ E-NAM શરૂ કરવામાં આવ્યું છે જેથી ખેડૂતોને પોતાના પાકનું સારું વળતર પ્રાપ્ત થઈ શકે.