પીયૂષ ગોયલ વચગાળાનું બજેટ રજૂ કરશે; જેટલીને આરામની સલાહ અપાઈ છે

0
763

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે. આ સંજોગોમાં, પીયૂષ ગોયલને નાણાં મંત્રાલયનો અતિરિક્ત ચાર્જ આપવામાં આવ્યો છે.

જેટલીને ડોક્ટરોએ ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે.

66 વર્ષીય જેટલી ગઈ 13 જાન્યુઆરીએ અમેરિકા આવી પહોંચ્યા હતા.

આ જ અઠવાડિયે એમની પર સોફ્ટ ટીસ્યૂ કેન્સર માટે અમુક ટેસ્ટ્સ લેવામાં આવી હતી, એવું સૂત્રોનું કહેવું છે.

જેટલીની ગેરહાજરીમાં ગોયલને વચગાળાના નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા છે અને હવે 1 ફેબ્રુઆરીએ એ જ સંસદમાં વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ગોયલ હાલ રેલવે પ્રધાન છે. એમને તાત્કાલિક રીતે અસરમાં આવે એ રીતે નાણાં અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલયોનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ભવનમાંથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન અનુસાર, અરૂણ જેટલી બીમાર છે અને એ સાજા ન થાય ત્યાં સુધી તેઓ કોઈ પોર્ટફોલિયો વિનાનાં પ્રધાન બની રહેશે. રાષ્ટ્રપતિએ વડા પ્રધાને આપેલી સલાહ અનુસાર એવો આદેશ જારી કર્યો છે કે અરૂણ જેટલીની ગેરહાજરી દરમિયાન નાણાં પ્રધાન અને કોર્પોરેટ ક્ષેત્રને લગતી બાબતોનો અખત્યાર કામચલાઉ રીતે પીયૂષ ગોયલને આપવો, જે એમના હાલના પોર્ટફોલિયો ઉપરાંત આ બંને મંત્રાલયનો ચાર્જ પણ સંભાળશે.