પેટ્રોલમાં 5 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો

નવી દિલ્હીઃ કહેવા માટે તો પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં સતત બીજા દિવસે પણ ઘટાડો થયો છે પરંતુ આ માત્ર નામ માત્ર છે. ગઈકાલે પેટ્રોલ અને ડીઝલમાં 1 પૈસાના ઘટાડાથી મજાક ઉડી હતી આમ છતા પણ સતત બીજા દિવસે પેટ્રોલમાં પ્રતિ લીટર 7 પૈસા અને ડીઝલમાં 5 પૈસાનો ઘટાડો થયો છે. સતત 16 દિવસ સુધી તેલની કિંમતોમાં વૃદ્ધિ બાદ સામાન્ય ઘટાડાને વિપક્ષે જનતા સાથે ક્રૂર મજાક ગણાવી છે. સોશિયલ મીડિયા પર પણ સરકારને વિરોધનો સામનો કરવો પડ્યો છે.

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવોથી હેરાન થયેલા લોકો માટે ગઈકાલે સવારે સમાચાર આવ્યા હતા જે થોડીવારમાં જ ખોટા સાબીત થઈ ગયા. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં માત્ર એક પૈસાનો જ ઘટાડો થયો હતો પરંતુ ઈંડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ પર ભૂલથી 60 પૈસા દેખાયું હતું. જો કે થોડા સમય બાદ જ સ્પષ્ટતા આવી ગઈ હતી કે ભાવમાં માત્ર 1 પૈસાનો જ ઘટાડો થયો છે.

14 મેથી પેટ્રોલ અને ડીઝલની કીંમતો સતત વધી રહી છે. તેના પહેલા કર્ણાટક ચૂંટણીને લઈને 19 દિવસ સુધી આ કીંમતો સ્થિર બનેલી હતી જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કીંમતો સતત વધી રહી હતી. 16 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 3.8 રૂપીયા અને ડીઝલમાં 3.38 રૂપીયા પ્રતિલીટરનો વધારો થયો હતો. ઈંધણની કીંમતો રાજ્યોના સ્થાનીય કરોના હીસાબે બદલાય છે. તમામ મેટ્રો શહેરો અને મોટાભાગના રાજ્યોની રાજધાનીની તુલનામાં દિલ્હીમાં પેટ્રોલના ભાવ ઓછા છે.