2 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું પેટ્રોલ, ડીઝલ પણ મોંઘુ થયું

નવી દિલ્હી- પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉતારચઢાવ યથાવત છે. ગતરોજ પુરા થયેલા સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો હોવા છતાં સ્થાનિક બજારમાં ઈંધણના ભાવમાં વધારો થયો છે.લગભગ ચાર દિવસ બાદ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સપ્તાહના અંતમાં કરવામાં આવેલા આ ભાવ વધારા બાદ ફરી એકવાર પેટ્રોલની કિંમત 2 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. ગત રોજ દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 7 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે કોલકાતામાં 9 પૈસા અને ચેન્નાઈમાં પેટ્રોલમાં પ્રતિ લિટર 8 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 77.13 રુપિયા સુધી પહોંચી ગઈ છે. જે 8 જૂન બાદથી સૌથી વધુ ભાવ છે. જ્યારે કોલકાતામાં પણ પેટ્રોલ 80.09 રુપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે. જે 8 જૂન બાદથી સૌથી વધુ ભાવ છે. આ તરફ દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો, અહીં પેટ્રોલનો ભાવ ફરી એકવાર 85 આસપાસ પહોંચી ગયો છે. ગતરોજ મુંબઈમાં પેટ્રોલનો ભાવ 84.57 રુપિયા પ્રતિ લિટર હતો. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ 80ને પાર કરી ગયું છે. અહીં એક લિટર પેટ્રોલ માટે 80.13 રુપિયા ચુકવવા પડશે.

ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં એક લિટર ડીઝલ માટે 68.57 રુપિયા પ્રતિ લિટર ચૂકવવા પડે છે. જ્યારે મુંબઈમાં તેનો ભાવ પ્રતિ લિટર રુપિયા 72.80 થયો છે. કોલકાતામાં ડીઝલ 71.41ની સપાટીએ પહોંચી ગયું છે અને ચેન્નાઇમાં તેની કિંમત રુપિયા 72.43 પ્રતિ લિટર ગત સપ્તાહના અંતે નોંધાઈ છે.