કર્ણાટક ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યાં

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ ડીઝલની સ્થિર થયેલી કીંમતોમાં ફરીથી વધારો થઈ ગયો છે. દિલ્હીમાં પેટ્રોલ 74.80 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલ 66.14 રૂપિયા પ્રતિ લીટર, ચેન્નઈમાં પેટ્રોલ 77.61 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 69.79 રૂપિયા પ્રતિ લીટર, કોલકત્તામાં પેટ્રોલ 77.50 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 68.68 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. મુંબઈમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે અને તે 82.65 રૂપિયા પ્રતિ લીટર અને 70.43 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે.

પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલા વધારાને કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થઈ ગયું છે તેની સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જ સમાચાર આવ્યા હતા કે સરકારના ઈશારા પર પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માર્કેટ અનુસાર બદલાવ ન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ હવે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે ફરીથી માર્કેટ અનુસાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે વર્ષ 2010 સુધી સરકાર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કીમતો નક્કી કરતી હતી. પરંતુ ત્યારબાદ આ કામ ઓઈલ કંપનીઓને સોંપી દેવામાં આવ્યું અને ઓઈલ કંપનીઓ દર પંદર દિવસે પેટ્રોલ અને ડીઝલની કીમતો બજાર કીમતના આધાર પર નક્કી કરવા લાગી હતી. પરંતુ ગત 16 જૂનથી તેલ કંપનીઓએ પંદર દિવસની જગ્યાએ પ્રતિદિન પેટ્રોલ ડીઝલના ભાવમાં બજાર આધારીત બદલાવ કરવા લાગી છે.