પેમેન્ટ કંપની પેટીએમ હવે શૈક્ષણિકક્ષેત્રમાં ઊતરશે, જાણો કઈકઈ સેવા આપશે

નવી દિલ્હીઃ પેટીએમ એજ્યુકેશન ક્ષેત્રમાં હવે ઉતરવા જઈ રહી છે. તે શિક્ષણ સાથે જોડાયેલી ઘણાં પ્રકારની સેવાઓ આપશે. આ માટે તે ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમજૂતી કરી રહી છે. પેટીએમ એક ડિજિટલ પેમેન્ટ કંપની છે. આમાં સોફ્ટબેંક અને અલીબાબા જેવી વિદેશી કંપનીઓએ ખૂબ રોકાણ કર્યું છે.

પેટીએમ વિદ્યાર્થીઓને ઘણા પ્રકારની સેવાઓ આપવા ઈચ્છે છે. આમાં પેમેન્ટ, કોમર્સ, શૈક્ષણિક સેવાઓ અને નાણાકીય લેવડ-દેવડનો સમાવેશ થાય છે. કંપનીના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ વિનીત કોલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને ખૂબ પહેલા જ જણાવી દેવા માંગીએ છીએ કે તેમણે કરિયર બનાવવા માટે શું કરવું પડશે.

કોલે કહ્યું કે અમે 25,000 કોલેજો મામલે પૂર્ણ જાણકારી આપવા સીવાય ઘણા પ્રકારના કોર્સ અને એક્ઝામ મામલે જણાવવા ઈચ્છીએ છીએ. કંપનીની સેવાઓમાં પેમેન્ટ, કોમર્સ અને નાણાકિય સેવાઓ શામિલ હશે.

પેટીએમ એડમિશન ફોર્મ, એક્ઝામ રિઝલ્ટ, સરકારી નોકરીઓ માટે આવેદન પત્ર અને કોચિંગ તેમજ ટેસ્ટની તૈયારી જેવી સેવાઓ માટે પ્રાઈવેટ અને સરકારી શિક્ષણ સંસ્થાનો સાથે મળીને કામ કરી રહી છે. કંપની એજ્યુકેશનલ ઈન્શ્યોરન્સ, લોન અને કો-બ્રાંડેડ સ્માર્ટ કાર્ડની સુવિધા પણ વિદ્યાર્થીઓને આપશે.

પેટીએમ એજ્યુકેશન સેક્ટરમાં સેવાઓ આપવા માટે રિક્રૂટમેન્ટ બોર્ડ, મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમીશન, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, ભારતીય નેવી, એમિટી, વીઆઈટી, મણિપાલ, એકેટૂટી, આર્મી પબ્લિક સ્કૂલ સહિત ઘણી સંસ્થાઓ સાથે સમજૂતી કરી ચૂકી છે.