પનામા પેપર કેસમાં ચોંકાવનારો ખુલાસો, IT કરશે તપાસ

નવી દિલ્હીઃ પનામા પેપર લીકમાં ભારતીયોના ટેક્સ હેવન દેશોમાં કાળું નાણું છૂપાવવાના મોટા ખુલાસા બાદ ટેક્સ અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રાએ આ મામલે જણાવ્યું કે પનામાની લૉ ફર્મ મોસૈક ફોનસેકા સાથે જોડાયેલા 1 કરોડ 12 લાખ દસ્તાવેજમાં ભારતીય ઉદ્યોગપતિઓના નામ સામે આવતા અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું. તેના માટે એક સંયુકત ટીમ બનાવી છે. તેમણે કહ્યું કે નવા નામ અને માહિતી સામે આવવાની પ્રારંભિત તપાસ શરૂ કરી દેવાઇ. અમે 2016માં થયેલા મામલાની પણ તપાસ કરી રહ્યાં છીએ.

ચંદ્રાએ જણાવ્યું કે દસ્તાવેજો પરથી જે ભારતીયોએ ટેક્સ હેવનમાં રોકાણ કર્યાની માહિતી છે તેમણે કાળું નાણું જાહેર કરવાની યોજના દરમ્યાન ખુલાસો કર્યો નહોતો. સીબીડીટીને 1140 કરોડ રૂપિયાની અઘોષિત વિદેશી રોકાણની ખબર પડી છે. પનામા પેપર સાથે જોડાયેલા 62 મામલામાં કાર્યવાહી ચાલુ છે અને એ ખબર પડી છે કે વિદેશી બેન્કોમાં પુષ્કળ ધન જમા કરાયું છે. આ માહિતી 2016મા પનામા પેપર લીક બાદ થઇ હતી. ચંદ્રાએ કહ્યું કે પહેલાં ખુલાસા બાદ અમને વિભિન્ન દેશોના ઓફિસરો પાસેથી મદદ મળી હતી. તેમાં જ મોટા વિદેશી રોકાણનો ખુલાસો થયો.

સીબીડીટીના મતે પનામા પેપરના 16 કેસમાં ક્રિમિનલ ફરિયાદ થઇ ચૂકી છે. વિભિન્ન દેશોની કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે અને કાળા નાણાં અધિનિયમની કલમ 10ની અંતર્ગત નોટિસ રજૂ કરાઈ છે. આવું 32 કેસમાં થયું છે. આ પ્રકારના તાજા ખુલાસાની પણ માંગ થશે. તેની સ્ક્રૂટની થશે. ઇડી પણ તેમાં તપાસ કરી રહ્યું છે. સાથો સાથ કેટલીય એજન્સીઓની મદદ લેવાઇ રહી છે.