વિવાદનો મધપૂડો છંછેડતાં રઘુરામઃ 2006-08 વચ્ચે બેડ લોન સૌથી વધારે અપાઈ

0
931

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેંકોના એનપીએ માટે બેંકર્સ અને આર્થિક મંદી સાથે નિર્ણય લેવામાં યુપીએ અને એનડીએ સરકારની સુસ્તીને જવાબદાર ગણાવી છે. રઘુરામ રાજને સંસદીય સમિતિને આપેલા જવાબમાં જણાવ્યું કે સૌથી વધારે બેડ લોન 2006-2008 વચ્ચે આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે એનપીએ સમસ્યા પર સરકાર અને વિપક્ષ વચ્ચે જંગ જામેલી છે. વડાપ્રધાન મોદીએ એનપીએ માટે યુપીએ સરકારને જવાબદાર ગણાવી તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.

એસ્ટિમેટ કમિટીના ચેરમેન મુરલી મનોહર જોષીને મોકલવામાં આવેલી નોટમાં રઘુરામ રાજને જણાવ્યું કે કોલસાની ખાણોની વહેંચણી સાથે તપાસની આશંકા સાથે જોડાયેલી વિભિન્ન સમસ્યાઓના કારણે યુપીએ અને ત્યારબાદ એનડીએ સરકારમાં નિર્ણય લેવામાં મોડુ થયું. તેમણે જણાવ્યું કે આનાથી રોકાયેલી પરિયોજનાઓનો ખર્ચ વધ્યો.

રાજને જણાવ્યું કે સૌથી વધારે બેડ લોન 2006-2008 વચ્ચે આપવામાં આવી જ્યારે આર્થિક વિકાસ મજબૂત હતો અને પાવર પ્લાંટ્સ જેવા ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સમય પર પોતાના બજેટની અંદર જ પૂર્ણ થઈ ગયા હતા.

રાજને જણાવ્યું કે આ દરમિયાન બેંકોએ પણ ઘણી ભૂલ કરી. રાજને જણાવ્યું કે તેમણે પૂર્વ વિકાસ અને ભવિષ્યના પ્રદર્શન અને ખોટી ગણતરી કરી. તેઓ પ્રોજેક્ટમાં વધારે ભાગ લેવા ઈચ્છતા હતા. હકીકતમાં ઘણીવાર તેમણે પ્રમોટર્સના રોકાણ બેંકોના પ્રોજેક્ટ્સ રિપોર્ટના આધાર પર જ કોઈપણ તપાસ કર્યા વગર જ સાઈન કરી દીધા.

રાજને એક ઉદાહરણ આપતા જણાવ્યું કે એક પ્રમોટરે મને જણાવ્યું કે કેવી રીતે બેંકોએ તેની સામે ચેકબુક આપતા જણાવ્યું હતું કે તેઓ એ જણાવે કે તેમને કેટલું ઉધાર જોઈએ છીએ. રાજને જણાવ્યું કે આ પ્રકારના ફેઝમાં દુનિયાભરના ઘણા દેશોમાં આવી ભૂલ થઈ.

રાજને આ મામલે વધુ વાત કરતા જણાવ્યું કે દુર્ભાગ્યવશ વિકાસ હંમેશા અનુમાન અને અપેક્ષાઓ અનુસાર નથી થતો. મજબૂત વૈશ્વિક વિકાસ બાદ આર્થિક મંદી આવી અને આની અસર ભારત પર પણ પડી. રાજને જણાવ્યું કે ઘણા પ્રોજેક્ટ્સ માટે મજબૂત ડિમાંડ પ્રોજેક્શન અવ્યવહારિક હતી કારણ કે સ્થાનિક માંગણીઓમાં ઘટાડો થયો હતો.

રાજને જણાવ્યું કે નિશ્ચિતરુપે બેંક અધિકારી અતિ આત્મવિશ્વાસુ બની ગયા હતા અને તેમણે સંભવતઃ આમાંથી કેટલીક લોન આપવા મામલે ખાસ્સી ઓછી તપાસ કરી હતી. ઘણી બેંકોએ સ્વતંત્ર રુપે આંકલન ન કર્યું અને એસબીઆઈ કેપ્સ અને આઈડીબીઆઈને તપાસની જવાબદારી સોંપાઈ. આ પ્રકારના આંકલનની આઉટસોર્સિંગ પ્રણાલીની કમજોરી છે.તો એનપીએમાં ફરીથી વૃદ્ધિ રોકવા માટે જરુરી પગલાઓને લઈને રઘુરામ રાજને સલાહ આપી કે સરકારી બેંકોમાં પ્રશાસન અને પ્રોજેક્ટ્સના આંકલન અને દેખરેખની પ્રક્રિયામાં સુધારો લાવવાની જરુરિયાત છે. તેમણે રિકવરી પ્રક્રિયાને મજબૂત બનાવવાના પક્ષમાં પણ વાત કરી.