પ્રતિબંધિત ચલણની 99.3 ટકા નોટ્સ ભારતીય રિઝર્વ બેન્ક પાસે પાછી આવી ગઈ છે

મુંબઈ – ભારતીય રિઝર્વ બેન્કે આજે જણાવ્યું છે કે રૂ. 500 અને 1000ના મૂલ્યની પ્રતિબંધિત ચલણી નોટોની 99.3 ટકા નોટ્સ તેની પાસે પાછી આવી ગઈ છે.

2016ના નવેંબરમાં નોટબંધી નિર્ણય અંતર્ગત ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવેલી રૂ. 15.3 લાખ કરોડમાંથી 99 ટકાથી પણ વધુ નોટ્સ રિઝર્વ બેન્ક પાસે પાછી આવી ગઈ છે.

આ કેન્દ્રીય બેન્કના વર્ષ 2017-18 માટેના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે કે રૂ. 500 અને રૂ. 1000ના મૂલ્યની રદ કરાયેલી ચલણી નોટોના વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને એવું માલૂમ પડ્યું છે કે પ્રતિબંધિત ચલણની કુલ કિંમત, જે રૂ. 15.4 લાખ કરોડ હતી, એમાંથી 99.3 ટકા નોટ્સ, એટલે કે રૂ. 15.3 લાખ કરોડની નોટ્સ પાછી આવી ગઈ છે.

ચલણમાંથી પરત આવી ગયેલી સ્પેસિફાઈડ બેન્કનોટ્સ (SBNs) ની કુલ વેલ્યૂ રૂ. 15,310.73 અબજ છે.

2016ની 8 નવેંબરે SBNs ની કુલ વેલ્યૂ રૂ. 15,417.93 અબજ હતી.