IRCTC ઓનલાઈન ટિકીટ બૂકિંગ સસ્તું થશે, MDR ચાર્જ નહીં

0
2005

નવી દિલ્હીઃ IRCTC વેબસાઈટ દ્વારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા રેલવે ટિકીટ બૂકિંગ કરાવવા માટે થોડાસમયમાં જ ઓછો ચાર્જ ચૂકવવો પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સરકાર એમડીઆર ચાર્જને દૂર કરવા માટે વિચાર કરી રહી છે, જે આઈઆરસીટીસી યાત્રીઓ પાસેથી વસૂલે છે. રેલવેપ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે અત્યારે આ મામલે બેંકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે જેથી એ વાતની જાણકારી મેળવી શકાય કે રેલવે યાત્રીઓને એમડીઆરના બોજમાંથી મુક્ત કરવા માટે શું કરી શકાય.

ગોયલે જણાવ્યું કે IRCTC કન્ઝ્યુમર્સને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ આપે છે. ગોયલે જણાવ્યું કે હું આને ખતમ કરવાની વાત કહી રહ્યો છું અને તેના માટે અમે બેંકો સાથે વાત પણ કરી રહ્યાં છીએ. ગોયલે જણાવ્યું કે આનો નિર્ણય આવનારા બે થી ત્રણ દિવસમાં આવી જશે.

પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર ડિજિટલ ટ્રાંઝેક્શનને ફ્રી બનાવવા માટે બેંકોએ પોતાના મોડલ પર ફરીથી કામ કરવું પડશે. તેમણે આ મામલે વિસ્તારથી જાણકારી આપ્યા વિના જણાવ્યું કે હું તે વાતથી સહમત છું કે એમડીઆરનું અસ્તિત્વ હોવું જોઈએ પરંતુ કન્ઝ્યુમર અને મર્ચન્ટે આની ચૂકવણી ન કરવાની હોય.