હોમ લોન પર સબસિડી લેવામાં હવે ટેક્સ ડિપાર્ટમેન્ટ કરશે મદદ…

નવી દિલ્હીઃ સરકાર લોકસભા ચૂંટણી પહેલાં શહેરી વિસ્તારોમાં વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માટે વિશેષ અભિયાન ચલાવવા જઈ રહી છે. આ યોજના અંતર્ગત ઘર ખરીદનારા લોકોને હોમ લોનના વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે.

સરકારની પહેલની અસર એ થશે કે પ્રથમવાર ઘર ખરીદનારા લોકોને સબસિડીવાળી લોન પાસ કરાવવા માટે બેંક શાખાઓની રાહ નહી જોવી પડે. હકીકતમાં સરકાર હવે ઈનકમ ટેક્સના આંકડાઓનું વિશ્લેષણ કરીને સંભવિત લાભાર્થીઓની ઓળખ પોતે જ કરી રહી છે. એકવાર ઓળખ થઈ જવા પર ટેક્સ ડિપાર્ટમેન્ટથી તેમને સર્ટિફીકેટ પ્રાપ્ત થશે જેના ઉપયોગથી તેઓ પીએમવાય અંતર્ગત સબસિડીવાળી લોન લઈ શકશે.


18 લાખ રુપિયા સુધીની વાર્ષીક આવક ધરાવતા લોકો પોતાનું પહેલું ઘર ખરીદવા માટે પીએમ આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ આવક વર્ગનો કોઈ વ્યક્તિ જો પોતાનું ઘર બનાવડાવે પણ છે તો પણ તેને પીએમમએવાયનો લાભ પ્રાપ્ત થશે. તે 20 વર્ષની હોમ લોન પર 6 લાખ રુપિયા સુધીની ક્રેડિટ લિંક્ડ પ્રાપ્ત કરવાનો હકદાર છે. ખાસ વાત એ છે કે તેમને સબસિડીના 2.5 થી 2.7 લાખ રુપિયા લોન લેતા સમયે મળી જશે. આંકડાઓ દર્શાવે છે કે ડિસેમ્બર 2018ના અંત સુધીમાં 3.4 લાખ લોકોએ પીએમએવાય અંતર્ગત ઈન્ટરેસ્ટ સબસિડીનો લાભ ઉઠાવ્યો હતો. જો કે અધિકારીઓનું માનવું છે કે યોગ્ય આંકડો ઘણો વધારે હશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર લાભાર્થીઓને સરકારી યોજનાઓ અંતર્ગત મળી રહેલા લાભની જાણકારી નથી હોતી અથવા તો તેમને લાભ લેવા માટે ખૂબ ભાગદોડ કરવી પડે છે. સોમવારના રોજના નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા કેન્દ્રીયપ્રધાન પીયૂષ ગોયલ સાથે સરકારી બેંકો સાથે થયેલી મીટિંગમાં પણ આના પર ચર્ચા થઈ ગઈ છે. હવે ચાર બેંકરો અને હાઉસિંગ સેક્રેટરી ડીએસ મીશ્રાની એક કમિટી આવનારા કેટલાક દિવસોમાં આની વિસ્તૃત રુપરેખા તૈયાર કરી લેશે અને પછી આવતા સપ્તાહની આસપાસ યોજના અમલમાં આવી જશે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર નરેન્દ્ર મોદી સરકારની વિભિન્ન યોજનાઓની જેમ આના પાછળનો વિચાર પણ ઈમાનદારીથી ટેક્સ ભરનારા લોકોને ભેટ આપવાનો અને ગરીબી રેખા નીચે જીવન વ્યતીત કરતા લોકોની સહાયતા કરવાનો છે. સરકારને લાગે છે કે આ નવી પહેલથી હાઉસિંગ સેક્ટર પર લાંબા સમય સુધી સકારાત્મક અસર થશે અને સાથે જ વડાપ્રધાન મોદીની મહત્વાકાંક્ષી પીએમવાય યોજનાનું લક્ષ્ય પૂર્ણ કરવામાં મદદ પ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ રીયલ એસ્ટેટ સેક્ટરનો વ્યાપાર મંદ પડ્યો છે જેનાથી મોટાપાયે નોકરીઓ ખતમ થઈ રહી છે.