હવે ટાટા પણ બંધ કરશે નાની ડીઝલ ગાડીઓનું ઉત્પાદન…

નવી દિલ્હીઃ  ટાટા મોટર્સે પણ નાની ડીઝલ ગાડીઓનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સ ધીરે-ધીરે પોતાના પોર્ટફોલિયોથી નાની ડીઝલ ગાડીઓ દૂર કરશે.

ટાટા મોટર્સના અધ્યક્ષ મયંક પારીકે કહ્યું કે ભારતમાં એપ્રિલ 2020 થી કાર્બન ઉત્સર્જનના બીએસ-6 માનક લાગૂ થવાના છે, જેનાથી ડીઝલના વાહનો મોંઘા થઈ જશે. અનુમાન છે કે આનાથી ડીઝલ વાહન એકથી દોઢ લાખ રુપિયા મોંઘા થઈ જશે. દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝૂકીએ પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે તે 1 એપ્રિલ 2020થી પોતાની ડીઝલ ગાડીઓ દૂર કરશે.

પારીકે કહ્યું કે અમારું માનવું છે કે નાની અને મધ્યમ આકારની ડીઝલ એન્જિનવાળી કારોની માગ ઓછી હોવાના કારણે નાની ક્ષમતાના નવા એન્જિનનો ખર્ચ અપેક્ષાથી ક્યાંક વધારે ઉંચો આવશે. નાની ગાડીઓમાં 80 ટકા માગ પેટ્રોલ વેરિએન્ટની હોય છે, ત્યારે આવામાં ડીઝલ કાર વેચવી મુશ્કેલ બની જશે.

ટાટા મોટર્સ હૈચબૈક ટિયાગો એક લીટર ડીઝલ એન્જિન સાથે વેચે છે. કંપની સેડાન કાર ટિગોર 1.05 લીટરના એન્જિન અને જૂના મોડલની બોલ્ટ અને જેસ્ટ કારો 1.3 લીટર ડીઝલ એન્જિન સાથે વેચે છે. અન્ય ઉત્યાપદનોમાં એસયૂવી નેક્સન અને તાજેતરમાં લોન્ચ થયેલી હૈરિયર 1.5 લીટર અને 2 લીટરની પાવર ટ્રેન સાથે આવે છે. કંપની હેરિયર માટે બે લિટરનું એન્જિન ફિઆટથી ખરીદે છે.