GST: ઈ-વે બિલના નિયમોમાં મોટા ફેરફાર, જાણો નહીં તો વધશે મુશ્કેલી

નવી દિલ્હી- જીએસટી લાગુ થયા બાદ તેમાં મહત્વના ફેરફારો થતાં રહ્યાં છે. ત્યારે હવે વધુ એક ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે સળંગ બે મહિના સુધી જીએસટી રીટર્ન ફાઈનલ નહીં કરનાર વેપારીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હકીકતમાં નાણાંમંત્રાલયે કહ્યું કે, રીટર્ન નહીં ભરનાર વેપારીઓ 21મી જૂનથી માલસામાનના પરિવહન માટે ઈ-વે બિલ નહીં કાઢી શકે. કમ્પોઝીશન સ્કીમ હેઠળ સામેલ વેપારીઓને પણ આ નિયમ લાગુ પડશે. જો કે, તેઓને ત્રણ મહિને રીટર્ન ભરવાનું થતું હોવાથી છ મહિનાસુધી રીટર્ન ન ભરે તો ઈ-વે બિલ કાઢવા પર પ્રતિબંધ લાગુ થશે.

કેન્દ્રીય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (સીબીઆઈસી) દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ જાહેરનામા મુજબ 21મી જૂનથી સપ્લાયર, ખરીદનાર, ટ્રાન્સપોર્ટર, ઈ-કોમર્સ ઓપરેટર કે કુરીયર એજન્સી સળંગ બે જીએસટી રીટર્ન ફાઈલ ન કરે તો ઈ-વે બીલ જનરેટ નહીં કરી શકે.

જીએસટીએન દ્વારા આઈટી સીસ્ટમ દાખલ કરવામાં આવી છે જે અંતર્ગત રીટર્ન ફાઈલ નહીં કરનારા ઈ-વે બીલ જનરેટ નહીં કરી શકે. આ પગલાથી જીએસટી ચોરી રોકવામાં મદદ મળશે. એપ્રિલથી ડિસેમ્બર મહિનામાં જીએસટીમાં 15278 કરોડની ચોરીના 3626  કેસ સામે આવ્યાં છે.

જીએસટી અંતર્ગત 1લી એપ્રિલ 2018થી ઈ-વે બીલ સીસ્ટમ દાખલ કરવામાં આવી હતી જેમાં એકથી બીજા રાજ્યમાં 50,000થી વધુની કિંમતના સામાનની સપ્લાય કરવા પર ઈ-વે બીલ રાખવાનું ફરજીયાત છે. આ ઉપરાંત રાજ્યમાં આંતરીક માલની હેરફેર પર આ નિયમ લાગુ છે. ટ્રાન્સપોર્ટર પાસે માલની હેરફેર દરમિયાન જો ઈ-વે બીલ માંગવામાં આવે તો દેખાડવુ ફરજીયાત છે.

કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ઉત્પાદકો, સપ્લાયરો, ટ્રાન્સપોર્ટરો તથા ઈ-કોમર્સ ઓપરેયરો રીટર્ન નહીં ભરતા વેપારીઓને માલ વેચી ન શકે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઈ-કોમર્સ, લોજીસ્ટીક, એફએમસીજી કંપનીઓ સહીતના ઉદ્યોગોએ તાત્કાલિક ઓટોમેટેડ સીસ્ટમ વિકસાવી પડશે.