પેટ્રોલ, ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં હાલતુરંત કોઈ કાપ નહીં મૂકાય

નવી દિલ્હી – પેટ્રોલ અને ડિઝલ પરની આબકારી જકાતમાં કાપ મૂકવાનો સરકારનો કોઈ વિચાર નથી, કારણ કે આ બંને ઈંધણના દર હજી એવા સ્તરે પહોંચ્યા નથી કે કોઈ પગલું ભરવાની તાકીદ જણાય, એમ કેન્દ્રના આર્થિક બાબતોના વિભાગના સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગે કહ્યું છે.

સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ લગભગ એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ફેરફાર કર્યો નથી.

ગર્ગે કહ્યું છે કે ઈંધણના ભાવમાં વધારાથી જો ઘરેલુ રાંધણ ગેસ (એલપીજી)ના દરમાં ઉછાળો આવે તો જ સરકારના ગણિતને અસર પડે. હાલ માત્ર એલપીજી જ સબ્સિડાઈઝ્ડ દરે પૂરો પાડવામાં આવે છે. આ સિવાય હવે કોઈ ડાયરેક્ટ સબસિડી રહી નથી. ઓઈલના ભાવ ચિંતાજનક સ્તરે ન પહોંચે ત્યાં સુધી આબકારી જકાતમાં કાપ મૂકવાની જરૂર રહેતી નથી.

પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રત્યેક એક રૂપિયાનો કાપ મૂકવાથી સરકારને રૂ. 13,000 કરોડની મહેસૂલી ખોટ જાય.

કેન્દ્ર સરકારે પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 19.48 અને ડિઝલ પર પ્રતિ લીટર રૂ. 15.33ની એક્સાઈઝ ડ્યૂટી નાખી છે. તે ઉપરાંત સ્ટેટ સેલ્સ ટેક્સ અથવા વેટના દર દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારે છે.