નીરવ મોદી કેસમાં વસૂલી માટે પર્યાપ્ત સંપત્તિ ઉપલબ્ધ: PNBનો દાવો

નવી મુંબઈ – ડાયમંડ બિઝનેસના મહારથી નીરવ મોદી સાથે સંકળાયેલી કંપનીઓ, પ્રોપર્ટીઓ તથા આવાસો ખાતે દરોડા પાડીને ત્રણ કેન્દ્રીય તપાસ એજન્સીઓ ઘણું બધું જપ્ત કરી રહી છે ત્યારે પંજાબ નેશનલ બેન્કે ગઈ મોડી રાતે બહાર પાડેલા એક નિવેદનમાં એવો દાવો કર્યો હતો કે છેતરપીંડીના કેસમાં પોતે રૂ. 11,400 કરોડની રકમ પાછી મેળવીને જ રહેશે.

(ડાબે) પંજાબ નેશનલ બેન્કના વડા સુનીલ મહેતા અને નીરવ મોદી

સરકાર હસ્તકની બેન્કે સમાચાર સંસ્થા પીટીઆઈને એમ જણાવ્યું છે કે નીરવ મોદી કેસમાં કાયદા અનુસાર લોનની રકમ વસૂલ કરવા માટે પર્યાપ્ત સંપત્તિ ઉપલબ્ધ છે.

માર્કેટ નિષ્ણાતોનું માનવું છે કે પીએનબીનું આ નિવેદન પોતાના શેરહોલ્ડરોના વિશ્વાસને ટકાવી રાખવા માટેનું પગલું છે, કારણ કે નીરવ મોદી કૌભાંડ જ્યારથી બહાર આવ્યું છે ત્યારથી બેન્કનો શેર ખૂબ પછડાયો છે.

એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) એજન્સીએ નીરવ મોદી વિરુદ્ધ દરોડા પાડીને અત્યાર સુધીમાં રૂ. 5,716 કરોડની સંપત્તિ કબજે કરી લીધી છે.

સીબીઆઈ, ઈડી અને ઈન્કમ ટેક્સ વિભાગે આ કેસના સંબંધમાં કુલ 38 સ્થળે દરોડા પાડ્યા છે.

કેસના સંબંધમાં પૂછપરછ માટે પંજાબ નેશનલ બેન્કના અનેક અધિકારીઓને અટકમાં પણ લેવામાં આવ્યા છે.

લોન ચૂકવણીના બધા રસ્તા ખુદ પંજાબ નેશનલ બેન્કે જ બંધ કરી દીધા છેઃ નીરવ મોદી

દરમિયાન, છેતરપીંડી કૌભાંડ બહાર આવ્યું એની પહેલાં જ દેશમાંથી ભાગી ગયેલા નીરવ મોદીએ જણાવ્યું છે કે પોતે પીએનબી પાસેથી લીધેલી લોનની બધી રકમ ભરપાઈ કરી દેત, પણ બેન્કે લોનની રકમનો આંકડો અનેક ગણો વધારીને એને જાહેર કરી દઈને વાત બગાડી નાખી છે. ખુદ બેન્કે જ અમારા માટે લોન ભરપાઈ કરવાના બધા રસ્તા બંધ કરી દીધા છે.

નીરવ મોદીએ ગઈ 15-16 ફેબ્રુઆરીએ પીએનબીના મેનેજમેન્ટને પત્ર લખીને આમ જણાવ્યું હતું. પત્રની કોપી પીટીઆઈ સમાચાર સંસ્થા પાસે ઉપલબ્ધ છે.

મોદીએ એમાં લખ્યું છે કે જો બેન્ક રઘવાઈ થઈને મીડિયા પાસે ગઈ ન હોત તો હું બધી લોન ચૂકવી દેત. લોનની રકમ ઉતાવળે વસૂલ કરવા માટે તમે રઘવાયા થયા અને લોનની રકમ ચૂકવી દેવાની મારી ઓફર (13 ફેબ્રુઆરીએ) પર ધ્યાન આપવાને બદલે તમે કેસને જાહેર કરી દઈને લોન વસૂલીના બધા રસ્તા બંધ કરી દીધા. તમારી ભૂલને કારણે મારી બ્રાન્ડ અને મારa બિઝનેસ બરબાદ થઈ ગયા છે.

પીએનબી મેનેજમેન્ટને ગઈ 15-16 ફેબ્રુઆરીએ લખેલા પત્રમાં નીરવ મોદીએ એમ જણાવ્યું હતું કે મારી કંપનીઓ દ્વારા પીએનબીને ચૂકવવાની બાકી નીકળતી લોનની રકમનો આંકડો 5000 કરોડ રૂપિયાથી ઓછો છે. તમે લોનની રકમને ખોટી રીતે વધારીને મીડિયામાં હો-હા કરી મૂકી એને કારણે અમારી વિરુદ્ધ તાત્કાલિક દરોડા-સર્ચ-ઝડતીની કાર્યવાહી શરૂ થઈ ગઈ. આને લીધે બેન્ક પાસેથી લીધેલા પૈસા પાછા ચૂકવી દેવાની અમારા ગ્રુપની ક્ષમતા જોખમાઈ ગઈ છે. હવે લોન વસૂલ કરવાની તમારી ક્ષમતા સીમિત થઈ ગઈ છે.