‘ટ્રાઈ’ના નવા નિયમને 9 કરોડ લોકોએ અપનાવ્યોઃ નક્કી કરી લીધી મનપસંદ ટીવી ચેનલો

0
2503

નવી દિલ્હી – ટેલિકોમ રેગ્યૂલેટર સંસ્થા TRAIનું કહેવું છે કે દેશમાં 17 કરોડ જેટલા ઘરોમાં ટીવી છે. આમાંના 9 કરોડ ઘરોએ નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત એમની પોતપોતાની મનપસંદ ચેનલો પસંદ કરી લીધી છે. ગ્રાહકોને એમની પસંદગીની ટીવી ચેનલો જોવામાં કોઈ તકલીફ કે અવરોધ ન નડે એની પર અમે સતત પૂરી નજર રાખીએ છીએ.

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ચેરમેન આર.એસ. શર્માએ કહ્યું છે કે ગઈ 1 ફેબ્રુઆરીથી લાગુ કરાયેલી નવી ટેરિફ વ્યવસ્થા અપનાવવામાં ઘણી ઝડપ આવી છે. અમને આશા છે કે બાકીના લોકો પણ ટૂંક સમયમાં જ એમની પસંદગીની ચેનલો નોંધાવી દેશે.

શર્માએ કહ્યું કે જે 9 કરોડ ગ્રાહકોએ એમની મનપસંદ ચેનલો પસંદ કરી લીધી છે એમાં 6.5 કરોડ લોકો કેબલ ટીવી ધારકો છે અને 2.5 કરોડ ડીટીએચ ગ્રાહકો છે. કુલ 17 કરોડ ટીવી ચેનલ ગ્રાહકોમાંથી 9 કરોડ લોકોએ ઓપરેટર પાસે એમની મનપસંદ ચેનલો રજિસ્ટર કરાવી દીધી છે. આ સંખ્યા ઘણી મોટી કહેવાય.

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના ચેરમેન આર.એસ. શર્મા

DTH પ્રી-પેઈડ મોડલ છે. તેથી ગ્રાહકોની લાંબી કે ટૂંકી મુદતનાં પેક સમાપ્ત થશે કે એ લોકો પોતપોતાની ચેનલ પસંદ કરી લેશે. જ્યાં જરૂર લાગે છે ત્યાં અમે ઓપરેટરોને મદદ કરી રહ્યાં છીએ અને એમને માર્ગદર્શન આપી રહ્યાં છીએ. તકલીફો દૂર થાય એ માટે અમે નિયમિત બેઠકો પણ યોજી રહ્યાં છીએ, એમ શર્માએ કહ્યું.

ગ્રાહકો સુધી રેગ્યૂલેટર એજન્સી (TRAI)ની પહોંચ વધી રહી છે અને એ માટે એજન્સી જાગરૂકતા ઝુંબેશ ચલાવી રહી છે. એ માટે સોશિયલ મિડિયા, પ્રિન્ટ મિડિયા, જાહેરખબર તથા અન્ય કાર્યક્રમોનો સહારો લેવામાં આવશે.

TRAI નું કહેવું છે કે અમે ટીવી ઓપરેટરોને ટીવી કનેક્શન રાખનારાઓને વિશેષ સ્કીમ તથા પ્લાન ઉપલબ્ધ કરાવવાની યોજના પર પાછાં ફરવા પણ જણાવાયું છે. ધારો કે ગ્રાહકો ઈચ્છે તો ઓપરેટરે એક જ ઘરની અંદર અલગ અલગ સેટ ટોપ બોક્સ પણ લગાડવા દેવા.

તાજેતરમાં એક અહેવાલમાં એવું જણાવાયું હતું કે નવી રેગ્યૂલેટરી વ્યવસ્થાને કારણે ટીવી જોવા માટેનો ખર્ચ (કેબલ અને ડીટીએચ બિલની રકમ) 25 ટકા વધી જશે. પણ ટ્રાઈનાં ચેરમેન શર્માએ આને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં તો કિંમત ઘટી ગઈ છે.