હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચ્યા નીરવ મોદી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકને 13 હજાર કરોડ રૂપીયાનો ચૂનો લગાવીને ભારતમાંથી ભાગી ગયેલો હીરા વ્યાપારી નીરવ મોદી હોન્ગ કોન્ગ છોડીને પણ ભાગી ગયો છે. થોડા દિવસ પહેલા ભારત સરકારે જણાવ્યું હતું કે નિરવ હોન્ગ-કોન્ગમાં છે. પરંતુ અત્યારે પ્રાપ્ત થતા સમાચારો અનુસાર નીરવ મોદી અમેરિકા પહોંચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તપાસમાં સામે આવ્યું હતું કે નીરવ મોદી 1 જાન્યુઆરીના રોજ મુંબઈથી યૂએઈ ફરાર થઈ ગયો હતો. જો કે ભારતીય એજન્સીઓ દ્વારા સતત કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે 2 ફેબ્રુઆરીના રોજ યૂએઈ છોડીને હોન્ગ કોન્ગ માટે રવાના થઈ ગયો હતો પરંતુ ત્યાંની કડક કાયદાકીય પ્રક્રિયાને લઈને નીરવ મોદીને હોન્ગ કોન્ગમાં રોકાવું અઘરૂં બની ગયું હતું અને નીરવ મોદીને હોંગ કોંગ પણ છોડવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અરબપતિ જ્વેલર નીરવ મોદીને સરકાર હોન્ગ કોન્ગથી ભારત પરત લાવવા ઈચ્છતી હતી જેના માટે ભારત સરકારે હોન્ગ કોન્ગના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પાસેથી નીરવ મોદીના પ્રવિઝનલ એરેસ્ટની અપીલ પણ કરી હતી. આમાં સીબીઆઈ અને ઈડીના તેની વિરૂદ્ધ નોંધાયેલા મામલાઓ અને ભારતીય અદાલતો તરફથી નીરવ વિરૂદ્ધ જાહેર બીનજામીન પાત્ર વોરંટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.