નોનબેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ઘેરા સંકટમાં, મદદની સખ્ત જરૂર: અનિલ અંબાણી

મુંબઈ: રીલાયન્સ કેપિટલના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યુ કે, નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) મોટી કટોકટીનો સામનો કરી રહી છે. તેમણે રીલાયન્સ કેપિટલ અને એનબીએફસીની સમસ્યાઓ પર આધારિત એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, આ સેક્ટર છેલ્લા આઠ મહિનાથી ICUમાં છે. જેની અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર જોઈ શકાય છે. ICUમાં જો તમે દર્દીને બચાવવા ઈચ્છતા હોય તો તેને પેરાસિટામોલ નહીં, સંપૂર્ણ લાઇફ સપોર્ટની જરૂર હોય છે.

અંબાણીને આશા છે કે, નવી સરકાર અને RBI લિક્વિડિટી વિન્ડો સ્વરૂપે તાત્કાલિક રાહતનો ઉપાય શોધશે. IL&FSની કટોકટી શરૂ થઈ ત્યારથી જોખમ લેવામાં ખચકાટ અનુભવી રહેલી બેંકોએ NBFCsને ધિરાણ આપવામાં આનાકાની શરુ કરી દીધી હતી. તેને લીધે આ કંપનીઓ પાસે સિક્યોરિટાઇઝેશન મારફતે ભંડોળ એકત્ર કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. અંબાણીએ જણાવ્યું હતું કે, મ્યુચ્યુઅલ ફંડ પણ પરોક્ષ ધિરાણ બંધ કર્યું છે.

અનિલ અંબાણીએ વધુમાં  કહ્યું હતું કે, બેંકો હવે NBFCs અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના ગુણવત્તાસભર પોર્ટફોલિયોની પસંદગી કરી રહી છે. છેલ્લા આઠ મહિનામાં તમામ અગ્રણી ખેલાડીઓની બેલેન્સશીટના કદમાં ઘટાડો નોંધાયો છે. આ ઘણી મોટી કટોકટી છે.

અંબાણીના જણાવ્યા અનુસાર તેમની તમામ કંપનીઓ પૂરતી મૂડી ધરાવે છે. કંપનીઓને મૂલ્યસર્જન અને વેલ્યૂ અનલોકિંગ દ્વારા ઋણમાં ઘટાડો કરવાની સલાહ આપવામાં આવી છે. RBI એ એપ્રિલ 2020થી NBFC સેક્ટર માટે લિક્વિડિટી કવરેજના નિયમ ચુસ્ત કર્યા પછીના થોડા દિવસોમાં જ અનિલ અંબાણીએ સેક્ટર બાબતે વિચાર વ્યક્ત કર્યા છે. શ્રેય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સના ચેરમેન હેમંત કનોરિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, મોટા ભાગના NBFCs તરલતાની ખેંચના કારણે વૃદ્ધિની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. NBFCsને બચાવવી છે કે નહીં એ બાબતે સરકારે નિર્ણય લેવો પડશે. તેની સાથે સિસ્ટમમાં રોકડનો પ્રવાહ, તેના મેનેજમેન્ટ અને કટોકટીની સ્થિતિમાં બેક-અપ સિસ્ટમ તૈયાર રાખવા પડશે.

ઉલ્લેખનીય છે કે, રીલાયન્સ કેપિટલ પર 18,000 કરોડનું ઋણ છે. અનિલ અંબાણીના જણાવ્યા અનુસાર કંપની ચાલુ નાણાકીય વર્ષે હિસ્સાના વેચાણ દ્વારા ઋણમાં 50 ટકા ઘટાડો કરશે. ઉલ્લેખનીય છે કે, રીલાયન્સ કેપિટલની બે સહયોગી કંપનીઓ ગયા મહિને ટૂંકા ગાળાના ડેટમાં ડિફોલ્ટ થઈ હતી. જોકે, તેણે જાપાનીઝ પાર્ટનર નિપોન લાઇફને રિલાયન્સ નિપોન એસેટ મેનેજમેન્ટનો 43 ટકા હિસ્સો વેચી 6,000 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે.