નાણાંપ્રવાહ વધતાં મ્યૂચ્યુઅલ ફંડોએ રોકાણ મર્યાદા લાદી

મુંબઇ– વધી રહેલી નાણાકીય તરલતા હવે મ્યૂચ્યુઅલ કંપનીઓને મૂંઝવણમાં મૂકી રહી છે. આ કારણે સારું રીટર્ન આપતી યોજનાઓમાં રોકાણ કરવા માટે લિમિટ નક્કી કરાઇ રહી છે. 11 ડીસેમ્બરથી એલએન્ડટી ઇમર્જિંગ દ્વારા બિઝનેસ ફંડમાં રોકાણ કરવા પર મર્યાદાઓ અમલમાં મૂકાઇ છે. જેથી હવે લોકો એક જ સમયે મોટું રોકાણ કરી શકશે નહીં. 4 ડિસેમ્બરના રોજ આઇડીએફસી ફોકસ ઇક્વિટી ફંડમાં પણ આવી કેટલીક મર્યાદા લાગુ કરવામાં આવી છે. આ ભંડોળ રોકાણકારોને સારું વળતર આપે છે, પરંતુ મર્યાદિત રોકાણના વિકલ્પોને લીધે, આ ફંડ્સના મેનેજરો મોટું રોકાણ કરવામાં ખચકાઇ રહ્યાં છે.

રોકાણ મર્યાદા નક્કી કરવા સંદર્ભે કંપનીઓ જણાવી રહી છે કે આ નિર્ણય રોકાણકારોના હિતમાં જ છે. કારણ કે વધુ પડતું રોકાણ હાલના વર્તમાન રોકાણકારોના હિતને માઠી અસર પહોંચાડી શકે છે. મ્યૂચ્યુઅલ ફંડો બેન્ચમાર્કના આધારે જ રોકાણ કરે છે, પરંતુ મર્યાદા કરતાં વધુ પૈસા હોય તો ફંડ મેનેજર્સ મુશ્કેલીમાં મૂકાય છે.

રોકડ રાખવું તે રોકાણકાર માટે સારું નથી, અને સારી કંપનીનું રોકાણ ન થાય તો રોકાણ બાદમાં નુકસાન થઈ શકે છે. તેથી ભંડોળના વર્તમાન રોકાણકારોના હિતમાં રોકાણ મર્યાદાનો નિર્ણય લેવાયો છે.