મુકેશ અંબાણી બન્યા એશિયામાં સૌથી શ્રીમંત વ્યક્તિ; જેક માને પાછળ રાખી દીધા

મુંબઈ – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. એમણે અલીબાબા ગ્રુપના સ્થાપક જેક માને પાછળ રાખી દીધા છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, આજની તારીખે, મુકેશ અંબાણીની સંપત્તિ અંદાજે 44.3 અબજ ડોલર છે. જ્યારે જેક માની કંપની જ્યાં લિસ્ટેડ છે તે અમેરિકામાં ગુરુવારે થયેલા ટ્રેડિંગના અંતે એમની સંપત્તિનો આંક 44 અબજ ડોલર હતો.

મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 100 અબજ ડોલરના માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ ભારતની બીજા નંબરની સૌથી મોટી કંપની છે. અંબાણી એમના પરિવાર સાથે આ કંપનીમાં 43 ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. મુકેશ અંબાણી આ ઉપરાંત ડાયરેક્ટર તરીકે ડિવીડન્ડ, પગાર અને ફી પણ મેળવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં પણ એમનો હિસ્સો છે. તે ઉપરાંત કેટલાક ખાનગી ઈન્વેસ્ટમેન્ટ્સમાં પણ એમનું હોલ્ડિંગ છે.

બીજી બાજુ, જેક માએ અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડમાં 1.4 અબજ ડોલરનું નુકસાન કર્યું હતું.