કોણ બનશે માર્કેટ કિંગ, અંબાણી અને ટાટા વચ્ચે જામ્યો જંગ

0
1082

નવી દિલ્હીઃ શેરબજારમાં છેલ્લાં કેટલાક સમયથી જંગ જામ્યો છે. આ જંગ દેશની બે દિગ્ગજ કંપનીઓ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રતન ટાટાની ટીસીએસ વચ્ચે જામી છે. બન્ને કંપનીઓ હવે એક રેસમાં લાગી ગઈ છે કે માર્કેટમાં સૌથી વધારે કમાણી કરનારી કંપની કોણ હશે?  આમ તો વર્તમાન સમયમાં આ મામલે રતન ટાટાની ટીસીએસ નંબર વન પોઝીશન પર છે તો બીજા નંબર પર મુકેશ અંબાણીની આરઆઈએલ છે. પરંતુ સમય અનુસાર આ બન્ને કંપનીઓ રેસમાં આગળપાછળ થતી રહે છે.

અત્યારે આરઆઈએલ ફરીથી તેજ ગતિથી આગળ વધી રહી છે. ટીસીએસ ટાટા ગ્રુપની કંપની છે અને રતન ટાટા, ટાટા ટ્રસ્ટના ચેરમેન છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટની 66 ટકા જેટલી ભાગીદારી છે. તો મુકેશ અંબાણી આરઆઈએલના ચેરમેન છે.

વર્તમાન સમયમાં ટીસીએસ અને રીલાયંસ ઈન્ડસ્ટ્રીઝ એવી બે કંપનીઓ છે કે જેમનો માર્કેટ કેપ 7 લાખ કરોડ અથવા તેનાથી વધારે ઉપર પહોંચી છે. ટીસીએસનો માર્કેટ કેપ 7.61 લાખ કરોડ રૂપીયા છે તો શુક્રવારે વ્યાપાર દરમિયાન આરઆઈએલનો માર્કેટ કેપ પણ 7 લાખ કરોડને પાર પહોંચ્યો હતો. એટલે કે બંન્ને કંપનીઓ વચ્ચે માત્ર 60 હજાર કરોડ રૂપીયાનું જ અંતર રહ્યું છે.

વર્ષ 2013 ની શરૂઆતથી 21 એપ્રિલ 2017 સુધી એટલે કે આશરે 4 વર્ષ સુધી શેરબજારમાં માર્કેટ કેપના મામલે ટીસીએસ સૌથી મોટી કંપની રહી છે.