થઈ જાઓ તૈયાર, 34 વર્ષ પહેલાં બંધ કરેલ ટેક્સ ફરી લાગુ કરવાની ફિરાકમાં મોદી…

નવી દિલ્હી– સરકારી વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે આ વર્ષે મોદી સરકારબજેટમાં એસ્ટેટ ડ્યૂટી અથવા તો ઈન્હેરિટેન્સ ટેક્સ ફરીથી લાગુ કરી શકે છે. વિપક્ષ આ મામલે વિરોધ કરી રહ્યો છે, જ્યારે અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, આ ટેક્સથી સામાજિક વિષમતા ઘટી જશે. સરકાર સામે સરકારી તિજોરી ભરવાનો પડકાર છે. સોમવારે જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે, બે મહિનામાં જીએસટી કલેક્શન સરેરાશ અંદાજે 14 હજાર કરોડ મહિને ઘટી ગયું છે. નાણાંમંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ એપ્રિલ 2019માં કુલ જીએસટી કલેક્શન 1,13,865 કરોડ હતું, જ્યારે મે 2019માં 1,00,289 થઈ ગયું અને જૂન 2019માં ઘટીને 99,939 કરોડ રહી ગયું છે.

હવે ખબર એવી છે કે, નવા રોકાણ માટે સરકાર એસ્ટેટ ડ્યૂટી અથવા ઈન્હેરિટેન્સ ટેક્સ ફરીથી લાગુ કરવા પર વિચાર કરી રહી છે. આ ટેક્સ હકીકતમાં પૈતૃક સંપત્તિ પર વસૂલવામાં આવે છે. આ ટેક્સને ભારત સરકારે 1985માં જ ખતમ કરી દીધો હતો. આ મુદ્દે નીતિ આયોગમાં જમીન મામલાના અધ્યક્ષ ટી હક્કનું કહેવુ છે કે, ભારતમાં હાલ 1 લોકો 58 ટકા સંપત્તિ પર નિયંત્રણ ધરાવે છે. આ લોકો પર ઈન્હેરિટેન્સ ટેક્સ લગાવવો જોઈએ. ભારતમાં ટેક્સ જીડીપી ગુણોત્તર ઓછો છે,જે વધારવાની જરૂર છે. જેથી ભારતમાં સામાજિક અસમાનતા ઘટાડવામાં મદદ મળશે.

એસોચેમના આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ સંજય શર્માનું કહેવું છે કે, અમને વિશ્વાસ છે કે, નાણાં મંત્રાલય તમામ સ્ટેકહોલ્ડરો સાથે ચર્ચા વિચારણા કરીને જ આ મુદ્દે પ્રપોઝલ તૈયાર કરી રહ્યું છે. જોકે, સવાલ એ વાતનો છે કે, જો આ પ્રસ્તાવને બજેટમાં સામેલ કરવામાં આવે છે તો શું વિપક્ષને મંજૂર હશે.

કેટલાક વિપક્ષી સાંસદોનું એવું માનવું છે કે, જે ટેક્સ 1985માં ખતમ કરી દેવામાં આવ્યો તેને 34 વર્ષ બાદ ફરીથી લાગુ કરવો વાજબી નથી. સરકારે ટેક્સ કલેક્શન વધારવા માટે નવા વિકલ્પો પર વિચાર કરવો જોઈએ ન કે ટેક્સ લગાવીને.

કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવાનું કહેવું છે કે, આ ટેક્સ લાગુ કરીને મોદી સરકારને મળેલા બહુમતનું અપમાન ગણાશે અને લોકો સાથે છેતરપિંડી ગણાશે. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનનું કહેવું છે કે, 1985માં ટેક્સને ખતમ કરી દેવામાં આવ્યો શું તે ખોટું હતું. તેમનું કહેવું છે કે, આ ટેક્સને ફરીથી લાગુ કરવો યોગ્ય નથી.