મોદી સરકારની દીવાળી ભેટ, આ યોજના પર મળશે FD કરતા વધારે વ્યાજ

નવી દિલ્હીઃ ભારતીય રેલવે દ્વારા પોતાના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોદી સરકારે વધુ એક દીવાળીની ભેટ આપી છે. કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડન્ડ ફંડ પર મળનારા વ્યાજદરોમાં વધારો કર્યો છે. કેન્દ્ર સરકારે જીપીએફ સહિત આવી જ અન્ય એક સ્કીમ પર મળનારા વ્યાજના દરમાં 0.4 ટકાનો વધારો કર્યો છે. આ વધારા સાથે જીપીએફ મળનારુ વ્યાજ 8 ટકા થઈ ગયું છે. આ વ્યાજ દરો 1 ઓક્ટોબર 2018 થી 31 ડિસેમ્બર 2018 માટે વધારવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે જીપીએફ ધારકોને આ દરમિયાન વ્યાજ પ્રાપ્ત થશે. પહેલા જીપીએફ પર 7.6 ટકા વ્યાજ પ્રાપ્ત થતું હતું.

જનરલ પ્રોવિડન્ડ ફંડ અથવા જીપીએફ એક પ્રોવિડન્ડ ફંડ છે. આ માત્ર સરકારી કર્મચારીઓને પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં આના પર મળનારા વ્યાજ દરો સરકાર દ્વારા સમય સમય પર અધિસૂચિત કરવામાં આવે છે.

એક સરકારી કર્મચારી ત્યારે જ જીપીએફ સભ્ય બને છે કે જ્યારે તે પોતાના પગારમાંથી કેટલીક રકમનું આમાં યોગદાન આપે છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળાની વાત કરવામાં આવે તો જીપીએફ પર 7.6 ટકા વ્યાજ પ્રાપ્ત થયું હતું હવે આ વ્યાજ 8 ટકા થઈ ગયું છે.