મોબાઈલ નંબર પોર્ટ કરાવવો બનશે વધુ સરળ, ટ્રાઈએ જાહેર કર્યાં નવા નિયમ

નવી દિલ્હીઃ હવે મોબાઈલ નંબર પોર્ટ કરાવવું વધારે સરળ બની ગયું છે. ટ્રાઈએ લોકોની સુવિધા માટે પોર્ટિંગના નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. ટ્રાઈએ નવા નિયમોની જાહેરાત કરી દીધી છે. હવે એક જ સર્કલની અંદર નંબર પોર્ટ કરાવવામાં માત્ર બે દિવસનો સમય લાગશે. એકથી બીજા સર્કલમાં મોબાઈલ નંબર પોર્ટ કરાવવામાં ચાર દિવસનો સમય લાગશે. પહેલા આમાં એક સપ્તાહ જેટલો સમય લાગતો હતો.

ટ્રાઈએ કહ્યું છે યૂઝર્સ ઘણા કારણોથી પોતાનો મોબાઈલ નંબર પોર્ટ કરાવવાનો નિર્ણય લઈ શકે છે. ઘણીવાર કંપનીની સેવા ખરાબ હોવાના કારણે યૂઝર્સ અન્ય કંપનીની સેવા લેવા માટે પોતાનો નંબર પોર્ટ કરાવે છે. ઘણીવાર નોકરીમાં બદલી અથવા અન્ય કારણોથી શહેર બદલવા પર યુઝર પોતાનો નંબર પોર્ટ કરાવે છે.

આ પોર્ટિંગ એક સર્કલથી બીજામાં થઈ શકે છે. યૂઝર ઘણી વાર પોતાનું સર્કલ બદલી દે છે. તેને સેવા આપનારી કંપનીમાં બદલાવ થતો નથી. પોર્ટિંગનો ફાયદો એ છે કે આમાં સેવા આપનારી કંપની અથવા સર્કલ બદલવા પર પણ તમારો મોબાઈલ નંબર બદલાતો નથી.

ટ્રાઈના નિયમો અનુસાર પોર્ટિંગની અરજી ખોટા કારણોથી રદ્દ થવા પર મોબાઈલ સેવા કંપની 10,000 રુપિયાનો દંડ લાગી શકે છે. ટ્રાઈએ જણાવ્યું છે કે એક જ સર્કલમાં પોર્ટિંગ માટે બે દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. એકથી બીજા સર્કલ એટલે કે ઈન્ટર-લાઈસન્સ્ડ એરિયામાં પોર્ટિંગ માટે ચાર દિવસનો સમય લાગશે. યૂપીસીની વેલીડીટી ઘટાડીને 4 દિવસ કરી દેવામાં આવી છે. પહેલા આ 15 દિવસ હતી. નવો નિયમ જમ્મૂ અને કાશ્મીર, અસમ અને ઉત્તર-પૂર્વ સહિતના પ્રદેશોને છોડીને બાકી તમામ જગ્યાઓ પર લાગુ થશે. ટ્રાઈએ કહ્યું છે કે આ જગ્યાઓ પર કોડની વેલીડીટીના નિયમ પહેલા જેવા જ રહેશે.