શેરબજારમાં ઉથલપાથલ: ત્રણ કારણસર સેન્સેક્સ 536 પોઈન્ટ ગબડ્યો

મુંબઈ – આજે મુંબઈ શેરબજાર માટે ફરી કારમો સોમવાર બની રહ્યો. બેન્ચમાર્ક ઈન્ડેક્સ ‘સેન્સેક્સ’ 536.58 પોઈન્ટ અથવા 1.46 ટકા જેટલો તૂટીને 36,305નો બંધ રહ્યો.

બીજી બાજુ, રાષ્ટ્રીય સ્તરના નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ‘નિફ્ટી’ 168 પોઈન્ટ તૂટીને 11,000ની નીચે, 10,975નો બંધ રહ્યો.

આજે એક જ દિવસમાં ઈન્વેસ્ટરોને આશરે 2.18 લાખ કરોડ રૂપિયાની ખોટ ગઈ છે.

નિફ્ટીમાં થયેલા સોદાઓમાં ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજીના શેરોને બાદ કરતાં અન્ય તમામ ઈન્ડેક્સમાં વેચવાલી રહી હતી. સૌથી વધુ માર પડ્યો રિયાલ્ટી અને ફાઈનાન્સ તથા બેન્કિંગ સેક્ટરને.

એચડીએફસી લિમિટેડનો શેર 6 ટકા જેટલો તૂટ્યો છે.

આજે બજાર તૂટ્યું એની પાછળના ત્રણ કારણ છે.

એક, ફાઈનાન્સ અને બેન્કિંગ સેક્ટરના શેરોમાં મોટું ગાબડું. ગયા શુક્રવારે નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઓને કારણે નેગેટિવ સેન્ટીમેન્ટ આવ્યા બાદ ફાઈનાન્સિયલ અને બેન્કિંગ શેરો પર આજે દબાણ રહ્યું. ઈન્ડિયાબુલ્સ હાઉસિંગમાં પણ 7 ટકાનું ગાબડું પડ્યું. જોકે આજે ડીએચએફએલના શેરમાં તેજી જોવા મળી.

બીજું, ક્રૂડના ભાવ પહોંચ્યા છે 80.50 ડોલર, પ્રતિ બેરલ. આજના વ્યાપારમાં, ક્રૂડ બે ટકા તેજીથી 80.94 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો, જે 2014ના નવેંબર બાદ સૌથી ઊંચી કિંમત છે. ગ્લોબલ એજન્સીઓનું માનવું છે કે ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલર સુધી જઈ શકે છે.

ત્રીજું, રૂપિયામાં નરમાઈ. યુએસ ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 27 પૈસા નબળો રહીને 72.47ના ભાવે ખૂલ્યો હતો. બાદમાં એ વધારે નબળો પડીને 72.74ના સ્તરે પહોંચી ગયો હતો.

આજે, સ્થાનિક શેરબજારોમાં બેન્ક નિફ્ટીમાં લગભગ 671 પોઈન્ટનું ગાબડું પડ્યું.

ટીસીએસ, વેદાંતા, ઓએનજીસી, સિપ્લા, દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ, હિંદાલ્કો, લ્યૂપિન, સિન્ડીકેટ બેન્ક, OIL શેરોમાં તેજી રહી. પરંતુ, એચડીએફસી, મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ, હીરો મોટોકોર્પ, મારુતિ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ભારતી એરટેલ, વગેરે શેરોમાં તાણ જોવા મળી હતી.