મેગીનો નમૂનો ફેઇલઃ નેસ્લે અને ડિસ્ટ્રિબ્યૂટર્સને 62 લાખનો દંડ

નવી દિલ્હીઃ બે મીનિટમાં તૈયાર થનારી મેગીનું નામ એકવાર ફરીથી વિવાદોમાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોર્ટે કંઝ્યુમર ગુડ્સ કંપની નેસ્લે અને તેના ડિસ્ટ્રિબ્યૂટર્સ પર 62 લાખ રૂપીયાનો દંડ ફટકાર્યો છે. મેગી નૂડલ્સના સેંપલમાં એશ કોન્ટેંટ, માનકોથી વધારે મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

2015માં 7 સેંપલ લઈને લખનઉ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને 2016માં આનો રિપોર્ટ આવ્યા બાદ એડીએમ કોર્ટમાં 7 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. કુલ દંડમાંથી 45 લાખ રૂપીયા નેસ્લે ઈંડિયાને આપવાના રહેશે. 15 લાખ ડિસ્ટ્રિબ્યૂટર્સ અને 2-2 લાખ રૂપીયાનો દંડ વિક્રેતાઓ પર પણ લગાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં મેગીમાં લેડની માત્રા વધારે મળી આવ્યા બાદ મોટો વિવાદ થયો હતો અને મેગીને દેશભરમાં 5 મહિના સુધી પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર નેસ્લે ઈંડિયા હજી પોતાની મેગી નુડલ્સને 100 સુરક્ષીત ગણાવે છે.