LTCG ટેક્સ અને બજેટના અન્ય પ્રસ્તાવ 1 એપ્રિલથી લાગુ

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2017-18 પૂર્ણ થવાની તૈયારીમાં છે. ત્યારે 1 એપ્રિલના રોજ નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ બજેટમાં જાહેર થયેલા લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ સહિત ઘણા પ્રસ્તાવ લાગુ થઈ જશે. તો આ સિવાય 250 કરોડ રૂપીયા સુધીનો વ્યાપાર કરનારી કંપનીઓ પર પણ કોર્પોરેટ ટેક્સ ઓછો કરીને 25 ટકા કરવા અને ટ્રાંસપોર્ટ અલાઉંસ મેડિકલ રીએંબેસમેન્ટની અવેજીમાં 40 હજાર રૂપીયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન સહિત અન્ય ટેક્સ પ્રપોઝલ પણ અમલમાં આવશે.

તો આ સાથે જ વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સથી મુક્ત વ્યાજ ઈનકમની મર્યાદા પાંચ ગણી વધારીને વાર્ષીક 50 હજાર રૂપીયા કરી દેવામાં આવી છે. આવી જ રીતે ઈનકમ ટેક્સ કાયદાની કલમ 80 ડી અંતર્ગત સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર કરવામાં આવેલી ચૂકવણી અને મેડિકલ ખર્ચ પર ટેક્સ કપાતની મર્યાદા પણ 30 હજાર રૂપીયાથી વધારીને 50 હજાર રૂપીયા કરી દેવામાં આવી છે.

લોન્ગ ટર્મ કેપિટલ ગેન

નાણાકીય વર્ષ 2018-19ના બજેટમાં 14 વર્ષના સમય બાદ શેરોના વેચાણથી 1 લાખ રૂપીયાથી વધારેના કેપિટલ ગેન પર 10 ટકા ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. અત્યારે એક વર્ષની અંદર શેરનું વેચાણ થવા પર કેપિટલ ગેન પર 15 ટકા જેટલો ટેક્સ લાગે છે. જો કે ખરીદીના એક વર્ષ બાદ વેચવામાં આવે તો તેના પર જે નફો મળે તેના પર કોઈ ટેક્સ આપવાનો હોતો નથી.

ઈનકમ ટેક્સ, સ્ટાન્ડર્ડ ડિડક્શન

ઈનકમ ટેક્સ અને સ્લેબને જેમનો તેમ રાખતા બજેટમાં પગારદારો અને પેન્શનરો માટે 40 હજાર રૂપીયા સુધીના સ્ટાન્ડર્ડ ડિડક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કપાત ટ્રાંસપોર્ટ અને મેડિકલ ખર્ચ મામલે વર્તમાન છૂટની જગ્યાએ આપવામાં આવી છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની વ્યવસ્થાને 2006-07થી સમાપ્ત કરી દેવામાં આવી હતી. અત્યારે 19,200 રૂપીયાના ટ્રાંસપોર્ટ એલાઉંસ અને 15 હજાર રૂપીયા સુધીના મેડિકલ ખર્ચ પર કોઈ ટેક્સ લાગતો નથી. આને હવે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં સમાવિષ્ટ કરી દેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય અને શિક્ષા સેસમાં વૃદ્ધીને જોતા સ્ટાન્ડર્ડ ડિડક્શનથી ટેક્સની બચત સાવ ઓછી થવાનું અનુમાન છે.

કોર્પોરેટ ટેક્સ

કોર્પોરેટ ટેક્સના સંદર્ભમાં બજેટમાં 250 કરોડ રૂપીયાનો વાર્ષીક વ્યાપાર કરનારી કંપનીઓ માટે ટેક્સનો દર ઓછો કરીને 25 ટકા રાખવામાં આવ્યો છે. આ બદલાવથી ઘણા ઉદ્યોગોને ફાયદો થશે. વર્ષ 2015માં જેટલીએ ચાર વર્ષની અંદર કંપની કરને 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાનો વાયદો આપ્યો હતો. આવતા વર્ષે થનારી ચૂંટણીને જોતા નાણાકીય વર્ષ 2018-19નું બજેટ એનડીએ સરકારનું અંતિમ પૂર્ણ બજેટ છે. આવતા વર્ષે લેખાનુદાન રજૂ કરવામાં આવશે. ચૂંટણી જીતીને આવનારી નવી સરકાર નવું પૂર્ણ બજેટ રજૂ કરશે.