…તો તમામ મોબાઈલ ફોન મોંઘા થઈ શકે છે

નવી દિલ્હીઃ સરકારે આવનારા નાણાકીય વર્ષથી પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની આયાત પર ડ્યૂટી લગાવવાની સંભાવનાઓને દર્શાવી છે, જેને લઈને લાવા, પેનાસોનિક અને એચએમડી ગ્લોબલ જેવી મોબાઈલ કંપનીઓએ લોકલ મેન્યુફેક્ચરિંગ વધારવાનો નિર્ણય લીધો છે. નોકિયા બ્રાન્ડ માટે ફોન બનાવનારી એચએમડી ગ્લોબલ, લાવા ઈન્ટરનેશનલ અને પેનાસોનિક ઈન્ડિયાએ જણાવ્યું કે સરકારના ફેઝ્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ અંતર્ગત આગામી કેટલાક વર્ષોમાં કેટલાક કંપોનેંટ્સ પર આયાત ડ્યૂટી લગાવીને તેમના લોકલ મેન્યુફેક્ચરીંગને વેગ આપવાનો પ્રયત્ન કરશે.

આના કારણે લાંબા સમયગાળામાં ભારત એક મેન્યુફેક્ચરીંગ હબ બની શકે છે. પરંતુ ડ્યૂટી લાગવાથી કેટલાક સમય સુધી ડીવાઈઝ મોંઘા થઈ શકે છે. કારણ કે કમ્પોનેન્ટ બનાવવાની ઈકોસિસ્ટમ અત્યારે ઉપ્લબ્ધ નથી. પીસીબી બનાવવા માટે સરફેસ માઉન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. સરકાર 1 એપ્રિલથી પીસીબી, કેમેરા મોડ્યૂલ અને કનેક્ટર્સ પર બેઝિક કસ્ટમ્સ ડ્યૂટી અથવા ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવી શકે છે.

સ્માર્ટ ફોન પર પહેલા જ 20 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. દુનિયાની સૌથી મોટી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર ફોક્સકોન દ્વારા ભારતમાં નોકિયા બ્રાન્ડના ડિવાઈઝ બનાવનારી એચએમડી ગ્લોબલના હેડએ જણાવ્યું કે અમે ભારતમાં વધારે કમ્પોનેન્ટ્સ બનાવવા માટે પોતાના પાર્ટનર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે નિશ્ચિત રીતે એસએમટી તૈયાર કરવાની યોજના બનાવી રાખી છે.