લેણદારોએ જેટ એરવેઝમાં હિસ્સો ખરીદવાનું આમંત્રણ આપ્યું; 75 ટકા હિસ્સો વેચવાની તૈયારી

મુંબઈ – કરોડો રૂપિયાના દેવામાં ડૂબી ગયેલી જેટ એરવેઝનાં લેણદારોએ આ એરલાઈન્સ પાસેથી એનાં ઉછીનાં નાણાં રીકવર કરવા માટે ઈચ્છુક ખરીદારોને આજે ‘એક્સ્પ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ (EoI)નું આમંત્રણ આપ્યું છે.

લેણદારોના સમૂહમાં મોખરે છે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા. એણે એક દસ્તાવેજ બહાર પાડીને જેટ એરવેઝમાં 75 ટકા સુધીનો હિસ્સો ખરીદવાની ઓફર રજૂ કરી છે.

જોકે એ હજી જાણવા નથી મળ્યું કે જેટના ભૂતપૂર્વ ચેરમેન નરેશ ગોયલ કે બહુમતી હિસ્સાની માલિક ઈતિહાદ એરવેઝ એમનાં હિસ્સાને પ્રો-રાટા બેઝિસ પર વેચી દેશે કે નહીં.

સૂત્રોનું કહેવું છે કે લેણદારોએ જેમનો સંપર્ક કર્યો છે એમાં ટીપીજી કેપિટલ, ખાનગી ઈક્વિટી કંપની કેકેઆર, બ્લેકસ્ટોન, લુફથાન્સા, સિંગાપોર એરલાઈન્સ અને ડેલ્ટા-એર ફ્રાન્સ-કેએલએમનો સમાવેશ થાય છે.

ટાટા ગ્રુપના પ્રવક્તાએ કહ્યું કે અમે બજારની અફવાઓ વિશે કમેન્ટ કરતા નથી.

EoI દસ્તાવેજમાં જણાવાયું છે કે લેણદારો ભારતીય રિઝર્વ બેન્કે ઈસ્યૂ કરેલી માર્ગદર્શિકાનું જ અનુસરણ કરે છે. સંબંધિત કંપની (જેટ એરવેઝ)માં આર્થિક સંકટને દૂર કરવાની એક યોજના ઘડવાની પ્રક્રિયા ચાલુ છે, જેમાં કંપનીના નિયંત્રણ અને વહીવટમાં ફેરફારની વાત છે.

EoI ઈસ્યૂ કરવા પાછળનો હેતુ જેટ એરવેઝ વિશે માહિતી પૂરી પાડવાનો છે જેથી ઈચ્છુક પાર્ટીઓ એમની બોલી મૂકતા પહેલાં પ્રસ્તાવ વિશે મૂલ્યાંકન કરી શકે.

EoI સુપરત કરવા માટેનો સમયગાળો 10 એપ્રિલે સાંજે 6 વાગ્યા સુધીનો છે.

ગઈ 25 માર્ચે નરેશ ગોયલે જેટ એરવેઝના બોર્ડમાંથી રાજીનામું આપ્યું હતું અને એ સાથે જ કંપનીમાં બહુમતી કન્ટ્રોલ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમના તાબામાં જતો રહ્યો છે.

જેટને આર્થિક સંકટમાંથી ઉગારવા માટેની નિવારણ યોજના અંતર્ગત લેણદારો રૂ. 1500 કરોડની વર્કિંગ કેપિટલ આપશે અને એના દેવાને ઈક્વિટીમાં કન્વર્ટ કરી નાખશે, જેથી એરલાઈન પુનર્જિવીત થઈ શકે અને ત્યારબાદ તેઓ એમાંનો તેમનો હિસ્સો વેચી દેશે.

જેટ એરવેઝને માથે રૂ. 8000 કરોડનું દેવું ચડી ગયું છે. સૌથી વધારે નાણાં લેવાના નીકળે છે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ.