વધુ એક બેંકિગ કૌભાંડઃ કનિષ્ક ગોલ્ડે 824 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંકમાં દેશના સૌથી મોટા લોન કૌભાંડની તપાસ વચ્ચે અન્ય એક જ્વેલરી કંપનીનું બેંકિંગ કૌભાંડ સામે આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જ્વેલરી ચેઇન કનિષ્ક ગોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 824.15 કરોડની લોન કૌભાંડને લઈને સીબીઆઈ પાસે તપાસની માગણી કરી છે.

કનિષ્કની રજિસ્ટર્ડ ઓફિસ ચેન્નઈમાં છે. આના માલિક અને પ્રમોટર-ડાયરેક્ટર ભૂપેશ કુમાર જૈન અને તેમની પત્ની નીતા જૈન છે. બેંકર્સે જણાવ્યું કે અમે લોકો આ દંપતી સાથે સંપર્ક નથી કરી શક્યા. માનવામાં આવી રહ્યું છે કે તેઓ અત્યારે મોરેશિયસમાં છે. સીબીઆઈએ અત્યારે એફઆઈઆર દાખલ નથી કરી.

જે સરકારી અને પ્રાઈવેટ બેંકોએ કનિષ્કને લોન આપી છે તેમાં એસબીઆઈ સૌથી આગળ છે. 25 જાન્યુઆરી 2018ને લખવામાં આવેલા લેટરમાં એસબીઆઈએ કનિષ્ક પર રેકોર્ડ્સમાં ફેરબદલ અને રાતોરાત દુકાન બંધ કરવાનો આરોપ લગાવ્યો છે.