અહીં તો છે નોકરીઓની ભરમાર: દિગ્ગજ કંપનીઓમાં નવી ભરતીમાં 350 ટકાની વૃદ્ધિ

નવી દિલ્હી- જુદાંજૂદાં ક્ષેત્રોમાં નોકરીમાં આવેલા ઘટાડાના સમાચાર વચ્ચે આઈટી સેક્ટરમાંથી એક સારા સમાચાર મળી રહ્યાં છે. નાણાકીય વર્ષ 2018-19માં પ્રમુખ આઈટી કંપનીઓ ટાટા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ) અને ઈન્ફોસીસે તેમના ગત નાણાકીય વર્ષની તુલનામાં 42000 વધુ ટેકનિકલ કર્મચારીને નોકરી પર રાખ્યાં છે. આ પ્રકારે બંને કંપનીઓની નવી ભરતીઓમાં 350 ટકાથી વધુની વૃદ્ધિ થઈ છે.

ફોર્ચ્યૂન દ્વારા ચાલુ સપ્તાહે જાહેર કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈ સ્થિત હેડઓફિસ ધરાવતી ટીસીએસએ 31 માર્ચના રોજ પૂર્ણ થતાં નાણાંકીય વર્ષમાં 29,287 કર્મચારીઓની ભરતી કરી, જ્યારે બેંગ્લુરુની ઈન્ફોસિસે 24,016 સોફ્ટવેર પ્રોફેશનલ્સને નોકરી આપી હતી. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર નાણાકીય વર્ષ 2018-19માં આ બંન્ને કંપનીઓએ 53,303 નવા કર્મચારીઓને નોકરી પર રાખ્યા, જ્યારે નાણાકીય વર્ષ 2017-18માં બંન્ને કંપનીઓએ કુલ 11,500 નવા કર્મચારીઓની ભરતી કરી હતી. ફોર્ચ્યુને તેમના રિપોર્ટમાં કહ્યું કે, 167 અબજ ડોલરનો ભારતીય સોફ્ટવેર સેવા ઉદ્યોગમાં તેજીનો દોર શરુ થઈ ગયો છે.

નિષ્ણાતોના અનુસાર 2019માં આઈટી કંપનીઓ ડેટા સાયન્સ, ડેટા એનાલિસિસ, સોલ્યુશન આર્કિટેક્ટસ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ડિઝિટલ માર્કેટિંગ, મશિન લર્નિગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ), બ્લોકચેન, અને સાયબર સિક્યુરિટીના જાણકાર પ્રોફેશનલ્સની ભરતી કરશે. આ વર્ષે ભારતીય આઈટી ઉદ્યોગમાં અંદાજે 2.5 લાખ નવી નોકરીઓ પેદા થવાનો અંદાજ છે.

મહત્વનું છે કે, મોદી સરકાર રોજગારી મુદ્દે સતત વિરોધીઓના પ્રહારોનો સામનો કરી રહી છે. લોકસભા ચૂંટણી 2019ના માહોલમાં વિપક્ષી દળો મોદી સરકાર પર આરોપ લગાવી રહી છે કે, પાંચ વર્ષમાં સરકારનો કાર્યકાળ જોબલેસ રહ્યો છે. મોદી સરકારે દર વર્ષે બે કરોડ લોકોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ આ આંકડો વાર્ષિક ધોરણે એક કરોડનો આંકડો પણ પાર નથી કરી શકી.

ઉદ્યોગ ચેમ્બર ફિક્કી અને અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા શિક્ષણ ઉપર જાહેર કરાયેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતમાં અંદાજે 93 ટકા એમબીએ અને 80 ટકા ગ્રેજ્યુએટ એન્જિનિયર એટલા માટે બેરોજગાર છે, કારણ કે, તેમને શિક્ષણ સંસ્થાઓમાં જે શિખવાડવામાં આવે છે, તે ઉદ્યોગ જગતની જરુરીયાતોને અનુકુળ નથી.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના વર્તમાનના આંકડા અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીમાં સંગઠિત ક્ષેત્રમાં રોજગારી સૃઝન ગત વર્ષની સરખામણીએ ત્રણ ગણું વધીને 8.61 લાખ સુધી પહોંચી ગયું છે. પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં આ આંકડો 2.87 લાખ રહ્યો હતો. જાન્યુઆરી 2019માં નવી નોકરીઓની સંખ્યા સૌથી વધુ 8.94 લાખ રહી.