સ્માર્ટફોનના જમાનામાં પણ ભારતમાં ફીચર ફોન માર્કેટમાં જિઓફોન અગ્રેસર

નવી દિલ્હી- કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના જણાવ્યા અનુસાર રિલાયન્સ જિઓફોન 30 ટકા બજારહિસ્સા સાથે ભારતમાં ફીચર ફોન બ્રાન્ડ માર્કેટમાં આગેવાન કંપની બની ગઈ છે. કાઉન્ટરપોઇન્ટ રિસર્ચે શુક્રવારે જણાવ્યા મુજબ કંપનીએ 2019ના પ્રથમ ક્વાર્ટરમાં આ સિદ્ધિ મેળવી છે.

ભારતમાં સ્માર્ટફોન માર્કેટે છેલ્લા દાયકામાં હરણફાળ ભરી છે, પરંતુ તેની સાથે ભારતીય બજારમાં હજુ ફીચર ફોનની પણ માગ રહી છે. 40 કરોડ ફીચર ફોન યુઝર્સની અવગણા ન કરી શકે જે હજી આગામી પાંચ વર્ષ સુધી રહેવાની સંભાવના છે, એમ કાઉન્ટરપોઇન્ટ્સે ભારતીય સ્માર્ટફોન માર્કેટ શેર 2019ના પ્રથમ ક્વાર્ટરના અહેવાલમાં જણાવ્યું હતું.

ફીચર ફોન કેટેગરીમાં સેમસંગ 15 ટકા હિસ્સા સાથે બીજા સ્થાને છે, જ્યારે સ્થાનિક હેન્ડસેટ ઉત્પાદક લાવા 13 ટકા હિસ્સા સાથે ત્રીજા સ્થાને છે. 2018માં પ્રથમ વખત સંકોચાયેલા સ્માર્ટફોન બજારથી વિપરીત ફીચર ફોન માર્કેટ સળંગ છેલ્લા ત્રણ વર્ષથી વૃદ્ધિ પામી રહ્યું છે, તેમ અહેવાલે જણાવ્યું હતું.

 

માર્ચમાં અગાઉ કાઉન્ટરપોઇન્ટ રિસર્ચના અંદાજ મુજબ 2019માં સમગ્ર વિશ્વમાં 40 કરોડથી વધારે ફીચર ફોન વેચાયા હતા. વધુમાં ફીચર ફોનની નિકાસ 2021 સુધીમાં એક અબજ યુનિટે પહોંચે તેવી સંભાવના છે.બ્રોકરેજ ફર્મ સીએલએસએના ટેલિકોમ સેક્ટરના આઉટલૂક મુજબ ફેબ્રુઆરી 2019માં તેની નોંધ હતી કે રિલાયન્સ જિઓ વર્તમાન વર્ષમાં સબસ્ક્રાઇબર માર્કેટ શેરમાં આગેવાન રહેશે. ઇન્ડિયા ટેલિકોમ રિપોર્ટમાં સીએલએસએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં મોબાઇલ સબસ્ક્રાઇબરો 20 લાખ વધીને 118.4 કરોડ થયાં હતાં. રિલાયન્સ જિઓએ બીજા 80 લાખ ગ્રાહકો ઉમેર્યા હતાં. જિયો હવે સમગ્ર દેશમાં 30.6 કરોડ ગ્રાહકો ધરાવે છે.