જેટ એરવેઝે 967 રૂપિયામાં આપી ‘ઉડાન’

નવી દિલ્હીઃ ખાનગી વિમાન કંપની જેટએરવેઝે ઉડાન યોજના અંતર્ગત પોતાની ફ્લાઈટ માટે 967 રૂપિયાના શરૂઆતી ભાડાની જાહેરાત કરી છે. કંપની આ યાત્રાઓ આવતા મહિનાથી જ શરૂ કરે તેવી યોજના છે. કંપનીએ આ મામલે જણાવ્યું હતું કે તે સરકારની ક્ષેત્રીય વાયુ સંપર્ક યોજના ઉડાનની શરૂઆત 14 જૂનથી કરશે.

આ સેવા અંતર્ગત કંપનીની પ્રથમ ફ્લાઈટ લખનઉ-અલાહાબાદ-પટણા રૂટ પર શરૂ થશે. જાન્યુઆરીમાં બીજા દોરની બોલીમાં જેટ એરવેઝને ચાર રૂટ મળ્યા હતા. લખનઉ-અલ્હાબાદ-પટણા સાથે કંપનીને નવી દિલ્હી-નાસિક,નાગપુર-ઈલાહાબાદ-ઈંદોર અને લખનઉ-બરેલી-દિલ્હી રૂટ મળ્યો છે.

કંપનીએ આ મામલે નિવેદનમાં આ માર્ગો પર પોતાની યાત્રાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત લખનઉ-અલાહાબાદ-પટણા પર શરૂઆતી ભાડુ 967 રૂપીયા, પટણા-અલ્હાબાદ-પટણા રૂટ પર 1216 રૂપીયા, નાગપુર-અલાહાબાદ-નાગપુર માર્ગ પર 1690 રૂપીયા, ઈંદોર-અલ્હાબાદ-ઈંદોર માર્ગ પર 1914 રૂપીયા ભાડુ રહેશે. દિલ્હી-નાસિક-દિલ્હી માર્ગ પર શરૂઆતી ભાડુ 2,665 રૂપીયા જેટલું ભાડુ રહેશે.