જેટ એરવેઝે વધુ ચાર વિમાન સેવામાંથી હટાવી લીધા; કુલ સંખ્યા થઈ 32

મુંબઈ – વિદેશમાંથી લીધેલી લોનની ચૂકવણીના મામલે ડિફોલ્ટ બનેલી અને કારમી આર્થિક ભીંસમાં સપડાયેલી જેટ એરવેઝે તેના વધુ ચાર વિમાનને સેવામાંથી હટાવી લીધા છે.

આ સાથે એણે સેવામાંથી હટાવી લીધેલા વિમાનોનો આંકડો 32 પર પહોંચી ગયો છે. આ આંકડો એના કાફલાનો એક-ચતુર્થાંશ ભાગ છે.

વધુ ચાર વિમાન ગ્રાઉન્ડ કરવાની જાહેરાત જેટ એરવેઝ લિમિટેડે જ એક નિવેદનમાં કરી છે.

જેટ એરવેઝનું દેવું 1 અબજ ડોલરથી વધુનું છે. કહેવાય છે કે જેટ એરવેઝે લોન ચૂકવી નથી અને કેટલાક મહિનાઓથી એનાં પાઈલટ્સને પગાર ચૂકવ્યો નથી, લીઝિંગ કંપનીઓને લોન ચૂકવી નથી અને સપ્લાયરોને પણ પૈસા ચૂકવ્યા નથી.