લોન વસૂલી માટે જેટ એરવેઝની મુંબઈ ઓફિસની ઈ-હરાજી, કીમત…

નવી દિલ્હી- હોમ લોન, શોપ લોન, જમીન ખરીદવા માટે લોન આપતી એચડીએફસી બેંક સંકટમાં ફસાયેલ જેટ એરવેઝની મુંબઈ ઓફિસનું વેચાણ કરશે. આ માટે આરક્ષિત કિંમત 245 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ બાકી રહેલી લોનની રકમ વસૂલવા માટે આ નિર્ણય લીધો છે.

જેટ એરવેઝની કામગીરી ગત 17 એપ્રિલથી અસ્થાઈ રૂપે બંધ થઈ ગઈ છે. એરલાઈન ઉપર એચડીએફસી બેંકનું 414 કરોડ રૂપિયાનું દેવુ છે. બેંકે જાહેર નોટિસમાં કહ્યું કે, કર્જદાર (જેટ એરવેઝ) 414.80 કરોડ રૂપિયાની બાકી લેણા ચૂકવવામાં નિષ્ફળ રહી છે તેથી એચડીએફસી લિ. ગીરવે મુકેલી અચલ સંપત્તિ રિડીમ કરવાનો અધિકાર છે.

મુંબઈના ઉપનગરી ફાઈનાન્સિયલ સેન્ટર બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સમાં 52,775 ચોરસ ફીટ (કારપેટ એરિયા)માં આ ઓફિસનું નિર્માણ થયેલુ છે. જાહેર નોટિસ અનુસાર કાર્યાલય માટે આરક્ષિત કિંમત 245 કરોડ રૂપિયા છે, અને આ ઓફિસની ઈ-હરાજી 15 મે ના રોજ થશે. જેટ એરવેઝ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કંપનીએ કર્મચારીઓને પગાર સહિતની કેટલુંક ચૂકવણું  નથી કર્યું. સમાધાન યોજના સહિત ભારતીય સ્ટેટ બેંકની આગેવાની ધરાવતા બેંકોના સમૂહે એરલાઈનમાં ભાગીદારી વેચાણ માટે ટેન્ડર બહાર પાડ્યું છે.