શિંકનસેન બુલેટ ટ્રેન આપતા પહેલા જાપાન ભારતને સુરક્ષા કવચ આપશે

નવી દિલ્હીઃ બુલેટ ટ્રેન આપતા પહેલા જાપાન ભારતને સેફ્ટી ટેક્નોલોજી આપશે. જાપાનને ભારતની સેફ્ટી ટેક્નોલોજીને લઈને ચિંતા છે. ભારતમાં 2023 સુધીમાં બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રસ્તાવ છે પરંતુ સરકાર વર્ષ 2020 સુધી જ બુલેટ ટ્રેન દોડતી કરવા ઈચ્છે છે. દર વર્ષે ભારતમાં આશરે 100 ટ્રેન દુર્ઘટના થાય છે. આના માટે રેલવેની ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થાને જવાબદાર માનવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેન દુર્ઘટનામાં 500 લોકોના મૃત્યુ થયા છે. સેફ્ટી ટેક્નોલોજીના મામલે ભારતના રેલવે મંત્રાલયે જાપાનની એક એજન્સી જેઆઈસીએ સાથે સમજૂતી કરી છે. આ સમજૂતી અંતર્ગત જેઆઈસીએ ભારતમાં પોતાના એક્સપર્ટ્સ મોકલશે.

ભારત જાપાનના 18 શિંકનસેન બુલેટ ટ્રેનની ખરીદી કરવા જઈ રહ્યું છે. આની કીંમત 7000 કરોડ રુપિયા હશે. એક ટ્રેનમાં 10 કોચ હશે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલવામાં સક્ષમ છે. ભારતમાં પથમ બુલેટ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવવા માટે પ્રસ્તાવિત છે. બુલેટ ટ્રેનમાં મુસાફરી કરવા માટે 3000 રુપિયા સુધીનું ભાડુ થઈ શકે છે. બુલેટ ટ્રેન મામલે જાપાનમાં શિંકનસેનનો કોઈ મુકાબલો નથી. 1984માં શિંકનસેને બુલેટ ટ્રેનની શરુઆત ટોક્યોથી જ કરી હતી. બુલેટ ટ્રેનનું વિશ્વમાં સૌથી મોટુ નેટવર્ક શિંકનસેનનું છે.

બુલેટ ટ્રેન સર્વિસ ચીન, જર્મની, અને ફ્રાંસમાં પણ છે પરંતુ જાપાનને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ પ્રાપ્ત છે. 1964માં શરુઆત બાદ જાપાનમાં બુલેટ ટ્રેનનું નેટવર્ક 2600 કિલોમીટરથી વધારે છે. જાપાનના ઘણા મોટા શહેર જેવાકે ટોક્યો, ટોકાઈડો, ઓસાકા, ટોક્યો અને યોકોહામા આ નેટવર્કનો ભાગ છે.