આવનારા નાણાકીય વર્ષમાં IT સેકટરમાં જોબ વધશેઃ નેસ્કોમ

નવી દિલ્હીઃ સોફ્ટવેર કંપનીઓના સંગઠન નેસ્કોમે હવે આવનારા નાણાકીય વર્ષમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજીની માગ વધવાની શક્યતાઓ દર્શાવી છે. નેસ્કોમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2019માં ફાઈન્શિયલ સેક્ટરનો ટેક્નોલોજી પર ખર્ચ વધી શકે છે અને અમેરિકી ગ્રાહકોની ડિમાન્ડમાં વધારો થઈ શકે છે.

નેસ્કોમના પ્રેસિડેન્ટ આર. ચંદ્રશેખરે જણાવ્યું કે આવનારા નાણાકીય વર્ષ માટે આશાવાદી હોવાનું કારણ છે કે આપણે લોકો સારા સંકેતો જોઈ રહ્યાં છીએ. ડિમાન્ડને લઈને સંભાવનાઓ સારી દેખાઈ રહી છે. તેમણે જણાવ્યું કે ફાઈન્શિયલ સેક્ટર તરફથી ટેક્નોલોજીમાં ઈન્વેસમેન્ટ વધી શકે છે અને અમેરિકાથી પણ ડિમાન્ડમાં વૃદ્ધિ થઈ શકે છે.

નેસ્કોમના પ્રમુખે જણાવ્યું કે સોફ્ટવેર કંપનીઓ પોતાનો ગ્રોથ વધારવા માટે નવી ડિજિટલ ટેક્નોલોજી અંગે પોતાના કર્મચારીઓને સ્કિલ ટ્રેનિંગ આપી રહી છે. તેમણે જણાવ્યું કે આ પરિણામો છેલ્લાં કેટલાક મહિનાઓથી દેખાઈ રહ્યા છે. જેના કારણે આવનારુ નાણાકીય વર્ષ સારું રહી શકે છે. નેસ્કોમે જૂનમાં સોફ્ટવેર ઈંડસ્ટ્રીઝ માટે વાર્ષિક ગાઈડન્સ જાહેર કરતા જણાવ્યું હતુ કે ભારતના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્સપોર્ટ ગત વર્ષની સમાન 7 થી 8 ટકા વધશે. નેસ્કોમે દેશની ઈન્ફોટેક ઈન્ડસ્ટ્રીઝનો ગ્રોથ 10-11 ટકા રહેવાની સંભાવના દર્શાવી હતી.

ચંદ્રશેખરે જણાવ્યું કે ઈન્ડસ્ટ્રીને સંરક્ષણવાદને લઈને કોઈ ચિંતા ન કરવી જોઈએ, કારણ કે જાહેર કરવામાં આવેલા વિઝાની સંખ્યામાં કોઈ બદલાવ આવ્યો નથી. તેમણે જણાવ્યું કે 65 હજાર વિઝાની સીમા ચાલું છે અને તેમાં કોઈ બદલાવ થયો નથી. જો કે ભારતીય કંપનીઓની વિઝા પર નિર્ભરતા ઓછી થઈ છે. કંપનીઓ માટે ઓટોમેશન જેવા ટેક્નોલોજી અને બિઝનેસ ટ્રેંડ્સ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.

નેસ્કોમે ભારતમાં એવું સેન્ટર બનાવ્યું છે જે ઈન્ટરનેટ ઓફ થિંગ્સ પર ફોકસ કરી રહ્યું છે. સરકારે હવે ગુરુગ્રામ, અમદાવાદ, અને વિશાખાપટ્ટનમમાં ત્રણ નવા સેન્ટરો બનાવવાની સ્વીકૃતિ આપી છે.