ઈન્ડિગો એરલાઈન્સ પર હવે બે મિત્રો એકબીજાના દુશ્મન બન્યાં, આ છે કારણો…

નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન્સ પર બે મિત્રો હવે એકબીજાના દુશ્મન બની ગયાં છે. રાહુલ ભાટિયા અને રાકેશ ગંગવાલે 2005માં ઈન્ટરગ્લોબ એવિએશનની સ્થાપના કરવામાં આવી હતી, જે ઈન્ડિગો બ્રાન્ડની માલિક છે. આ મુશ્કેલ ધંધો છે. વિજય માલ્યા આજે જે મુશ્કેલીમાં છે તેનું કારણ કિંગફિશર એરલાઈન્સ છે, જે છેલ્લે દેવાદાર બની ગઈ છે. ભારતીય કોર્પોરેટ જગતના એક અન્ય સ્ટાર નરેશ ગોયલના સિતારા પણ મુશ્કેલીમાં છે. તેમની જેટ એરવેઝનું કામકાજ કેટલાક મહિનાઓથી બંધ છે અને તેને પણ વેચવાની અપેક્ષાઓ નથી. આ તમામ વચ્ચે ઈન્ડિગોની સફળતા શિખર પર છે. દેશમાં દર બેમાંથી એક યાત્રી તેના પ્લેનથી ઉડાન ભરી રહ્યાં છે. ત્યારે કંપનીના બે સહસંસ્થાપકો વચ્ચે ઝઘડાથી રોકાણકારો હેરાન છે.

ઈન્ટરગ્લોબમાં 37 ટકાની ભાગીદારી રાખનારા ગંગવાલને પણ આનાથી નુકસાન થઈ રહ્યું છે, પરંતુ યૂએસ એરવેઝના પૂર્વ પ્રેસિડન્ટ અને સીઈઓએ કહ્યું છે કે તેમને આની પરવા નથી. તે કંપનીના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગે છે. ગંગવાલ ઈન્ડિગોના કોર્પોરેટ ગવર્નન્સથી નારાજ છે. તેમણે સેબી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આની ફરિયાદ કરી છે. ગંગવાલ અનુસાર એક પાનની દુકાન પણ ઈન્ડિગો કરતા વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે છે. તેમણે કંપનીના કામકાજથી પણ અંતર બનાવી લીધું છે.

ઈન્ટરગ્લોબ એવિએશનને શરુ કરતા સમયે ભાટિયા અને ગંગવાલ વચ્ચે જે સમજૂતી થઈ હતી તેનાથી કંપનીમાં ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર, સીઈઓ, પ્રેસિડન્ટ અને ત્રણ નોન-ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર્સ અપોઈન્ટ કરવાના અધિકાર ભાટિયાને મળ્યા હતા. આનો અર્થ એ છે કે ભાટિયા આ પદો પર જેને ચાહે તેને નિયુક્ત કરી શકે છે અને ગંગવાલને તેમનું સમર્થન કરવાનું રહેશે. માનવામાં આવી રહ્યું છે કે બંન્ને વચ્ચે ઝઘડાનું કારણ આ સમજૂતી જ છે. ગંગવાલે સેબી પાસેથી આ રુલ્સને બદલાવવાની પણ અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે આ કાયદાના દ્રષ્ટિકોણથી પણ યોગ્ય નથી. ગંગવાલે ભાટિયા પર ઈન્ડિગો દ્વારા પ્રાઈવેટ કંપનીઓને ફાયદો પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો છે.

ઈન્ટરગ્લોબ એવિએશનમાં 38 ટકા ભાગીદારી રાખનારા ભાટિયાનું કહેવું છે કે ગંગવાલે આરોપોનો એકપણ પુરાવો નથી આપ્યો. તેમણે કહ્યું કે ગંગવાલ એવો એકપણ મામલો રજૂ નથી કરી શક્યા કે જેનાથી ઈન્ડિગોને થઈ રહેલા નુકસાનનો ખ્યાલ આવ્યો હોય. સત્ય તો એ છે કે પાનની દુકાન સારી ચાલી રહી છે.