વોલમાર્ટ-ફ્લિપકાર્ટ સોદોઃ વેપારીઓ દ્વારા ભારતભરમાં વિરોધ-દેખાવો

મુંબઈ – ભારતમાં ઈ-કોમર્સ ક્ષેત્રમાં અગ્રગણ્ય ગણાતી ફ્લિપકાર્ટ કંપનીને 16 અબજ ડોલર (આશરે રૂ. 1 લાખ 10 હજાર કરોડ)માં હસ્તગત કરનાર અમેરિકાની રીટેલ જાયન્ટ વોલમાર્ટ સામેના વિરોધમાં મુંબઈ અને ગુજરાત સહિત ભારતભરમાં અનેક શહેરોમાં દુકાનદારોએ આજે મોરચો કાઢ્યો હતો અને ધરણા કર્યા હતા.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) સંગઠને આ દેખાવો-ધરણાનું આયોજન કર્યું હતું.

વેપારીઓને એવી ચિંતા છે કે અમેરિકાના રીટેલ ક્ષેત્રની સૌથી મોટી કંપની વોલમાર્ટ અને ભારતની ટોચની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ એક થઈ જશે તો દેશની બજારમાં વર્ચસ્વ જમાવી દેશે, એને લીધે ચીજવસ્તુઓના ભાવ ઘટી જશે અને અંતે નાના વેપારીઓને એમના ધંધા બંધ કરવાનો વારો આવશે.

મુંબઈ અને નવી દિલ્હીમાં દેખાવો અને ધરણા કરનાર વેપારીઓ હાથમાં ‘વોલમાર્ટ પાછી જા’ બેનર સાથે જોવા મળ્યા હતા. વેપારીઓએ એવી માગણી કરી છે કે કેન્દ્ર સરકારે વોલમાર્ટ-ફ્લિપકાર્ટના સોદાને રોકી દેવો જોઈએ.

વેપારીઓ અને રીટેલરોએ મુંબઈ ઉપરાંત નવી દિલ્હી, હૈદરાબાદ અને બેંગલુરુ સહિત 500 જેટલા શહેરો, નગરોમાં દેખાવો કર્યા હતા.

વેપારીઓએ એવી માગણી કરી છે કે સરકારે તેની ઈ-કોમર્સ નીતિ ઘડવી જોઈએ અને એક ઈ-કોમર્સ રેગ્યૂલેટરી એજન્સીની રચના કરવી જોઈએ.

CAITના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે ફ્લિપકાર્ટને હસ્તગત કરીને વોલમાર્ટ ભારતના ઈ-કોમર્સ સેક્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે અને ત્યારબાદ એ દેશમાં રીટેલ વ્યાપારમાં પોતાનો પ્રસાર કરશે.

અમેરિકાના આર્કાન્સાસના બેન્ટોનવિલેમાં હેડક્વાર્ટર ધરાવનાર વોલમાર્ટે ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો ખરીદી લીધો છે.

આ સોદાને હજી સુધી ભારતની એન્ટી-ટ્રસ્ટ રેગ્યૂલેટર – કોમ્પીટીશન કમિશનર ઓફ ઈન્ડિયા તરફથી મંજૂરી મળવાની બાકી છે.

વોલમાર્ટ હાલ ભારતમાં 21 કેશ-એન્ડ-કેરી સ્ટોર્સ ચલાવે છે. એણે કહ્યું છે કે તે ભારતમાં લઘુ અને મધ્યમ કદના સપ્લાયર્સ, કિસાનો અને મહિલાઓ દ્વારા સંચાલિત ઉદ્યોગો પાસેથી માલ-સામાન મેળવીને ભારતમાં સ્થાનિક ઉત્પાદનને સપોર્ટ કરશે.

વોલમાર્ટ ઈન્ડિયાના સિનિયર વાઈસ-પ્રેસિડન્ટ રજનીશ કુમારે એક નિવેદનમાં કહ્યું છે કે ફ્લિપકાર્ટ સાથે અમારી ભાગીદારી ભારતમાં હજારો સ્થાનિક સપ્લાયર્સ અને ઉત્પાદકોને માર્કેટપ્લેસ મોડેલ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.